IPL 2021ની સિઝનની આઠમી મેચ શુક્રવારે ચેન્નાઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાઈ હતી. એમએસ ધોની ની ટીમે પંજાબને આસાનીથી હરાવી મેચ જીતી લીધી હતી. ટોસ જીતીને પંજાબને બેટીંગ માટે મેદાને ઉતારવાની ધોનીની ચાલ જાણે કે સફળ રહી હોય એમ, પંજાબની ટીમના બેટ્સમેનોનો ફીયાસ્કા જેવી સ્થિતી સર્જાઈ હતી. દિપક ચાહર સામે જાણે કે પંજાબે ઘુંટણ ટેકવી દીધા હતા. ચાહરના આક્રમણથી પંજાબના ચાર શરુઆતના બેટ્સમેનો પેવેલિયન ઝડપથી પહોચીં ગયા હતા. 20 ઓવરના અંતે પંજાબ કિંગ્સે 8 વિકેટ ગુમાવીને 106 રનનો સ્કોર કર્યો હતો, જેને ચેન્નાઈએ 15.4 ઓવરમાં જ વિજયી લક્ષ્યાંક પાર પાડી લીધુ હતુ. આમ 6 વિકેટે ચેન્નાઈનો વિજય થયો હતો.
ચેન્નાઇ સુપર કિંગ્સની બેટીંગ
એક આસાન સ્કોરને પાર પાડવા માટે મેદાને આવેલ ચેન્નાઈ સુપર કિંગ્સે સરળતાથી વિજયી લક્ષ્યને હાંસલ કરી લીધુ હતુ. જોકે શરુઆતમાં ઋતુરાજ ગાયકવાડની વિકેટ ચેન્નાઈએ 24 રનના સ્કોર પર ગુમાવી હતી. ગાયકવાડ 16 બોલમાં 5 રન કરીને આઉટ થયો હતો. જોકે તેની વિકેટથી ચેન્નાઈને વિજય માર્ગમાં કોઈ જ મુશ્કેલી સર્જાઈ નહોતી. ઓપનર ફાફ ડુ પ્લેસી અને વન ડાઉન મોઈન અલીએ રમતને આગળ વધારીને જીત નજીક લાવી દીધી હતી.
ઓલરાઉન્ડર મોઈન અલીએ 31 બોલમાં 46 રન કર્યા હતા, તે અશ્વિનનો શિકાર થયો હતો. સુરેશ રૈનાએ 9 બોલમાં 8 રન કર્યા હતા, જે શામીના બોલ પર કેચ આઉટ થયો હતો. ડુ પ્લેસીએ 33 બોલમાં 36 રન કરીને જીત સુધી નોટઆઉટ મેદાન પર રહ્યો હતો. સેમ કરન 5 રન સાથે અણનમ રહ્યો હતો.
પંજાબ કિંગ્સની બોલીંગ
આસાન લક્ષ્ય સામે બોલરોએ સંઘર્ષ કરવો કે ઝઝૂમવા માટેના કોઈ જ સંજોગો નહોતો. એક ઔપચારિકતા ખાતરની બોલીંગ ઈનીંગ સન્માન સાથેની હાર માટે કરવા જેવી સ્થિતી પંજાબની સર્જાઈ હતી. 24 રનના સ્કોર પર અર્શદિપ સિંહને એક વિકેટ મળ્યા બાદ લાંબી રાહ જોવી પડી હતી. અર્શદિપે 2 ઓવર કરીને માત્ર 7 રન આપ્યા હતા.
બીજી વિકેટ મેળવવાની સફળતા છેક 90 રનના સ્કોર પર મળી હતી. ત્યાં સુધીમાં પંજાબ માટે હાર નજીક આવી પહોંચી હતી. મંહમદ શામીએ 4 ઓવર કરીને 2 વિકેટ મેળવી હતી, તેણે 21 રન આપ્યા હતા. મુરુગન અશ્વિને એક વિકેટ ઝડપી હતી. તેણે 3 ઓવરમાં 32 રન આપ્યા હતા. અંબાતી રાયડૂ શૂન્ય રન પર જ વિકેટ ગુમાવી બેઠો હતો.
પંજાબ કિંગ્સ બેટીંગ
પંજાબ કિંગ્સ માટે જાણે કે આજે કિસ્મત ખરાબ રહ્યુ હતુ. દિપક ચાહર તેમના માટે કાતિલ સાબિત થયો હતો. ઓપનર મયંક અગ્રવાલ શૂન્ય રને જ પરત ફર્યો હતો. મયંક અગ્રવાલ 5 રન કરીને રન આઉટ થયો હતો. ક્રિસ ગેઈલ 10 બોલમાં 10 રન કરીને ચાહરનો શિકાર થયો હતો. દિપક હુડ્ડા પણ 10 રન કરીને ચાહરનો વધુ એક શિકાર થયો હતો. આમ 26 રનના સ્કોર પર જ પંજાબ કિંગ્સની અડધી ટીમ પેવેલિયન પરત ફરી હતી.
જોકે ત્યારબાદ નવોદિત ખેલાડી શાહરુખ ખાને પંજાબની આબરુ સાચવવા પ્રયાસ કરતુ પ્રદર્શન કર્યુ હતુ. તેણે ટીમ વતી સૌથી વધુ 36 બોલમાં 47 રન કર્યા હતા. શાહરુખે 4 ચોગ્ગા અને 2 છગ્ગા પણ લગાવ્યા હતા. ઝાય રિચાર્ડસને તેને થોડોક સમય ટેકો પણ આપી 15 રન કર્યા હતા. મુરુગન અશ્વિન 6 રન કરીને આઉટ થયો હતો.
ચેન્નાઇ સુપર કિંગ્સ બોલીંગ
દિપક ચાહરે ચેન્નાઈ સુપર કિંગ્સની છાવણીને આજે ઉત્સાહમાં લાવી દીધી હતી. ગઈ સિઝનથી જીતની શોધ કરતી રહેતી ચેન્નાઈ માટે ચાહરે જીતને આશા મેચની શરુઆતે જ જગાડી દીધી હતી. દિપક ચાહરે 4 ઓવર કરી ને 4 વિકેટ ઝડપી હતી. એક મેઈડન ઓવર સાથે ચાહરે 13 જ રન આપ્યા હતા. મોઈન અલી અને ડ્વેન બ્રાવોએ એક એક વિકેટ ઝડપી હતી. સેમ કરને 3 ઓવર કરીને 6 રન આપ્યા હતા. રવિન્દ્ર જાડેજાએ પણ કરકસર ભરી બોલીંગ કરી હતી. તેણે 4 ઓવર કરીને 19 રન આપ્યા હતા.