બંગાળમાં આજે પાંચમા તબક્કામાં 45 બેઠક પર મતદાન ચાલુ છે. ચૂંટણી પંચના જણાવ્યા મુજબ સવારે 9.30 વાગ્યા સુધીમાં 16.15% મતદાન થયું છે. આ બેઠકો માટે 319 ઉમેદવાર મેદાનમાં છે, જેમાં 39 મહિલાનો સમાવેશ થાય છે. ચૂંટણી જલપાઇગુડી, કલિમ્પોંગ, દાર્જીલિંગ, ઉત્તર 24 પરગણા,નદિયા શહેર અને પૂર્વ બર્ધમાન જિલ્લામાં યોજાઈ છે.
45માંથી 13 બેઠક ઉત્તર બંગાળની છે. અહીં ભાજપ મજબૂત છે. માનવામાં આવે છે કે દક્ષિણ બંગાળમાં તૃણમૂલનો પ્રભાવ વધુ છે. આ ચૂંટણીમાં ગોરખાલેન્ડ આંદોલન, ચાના બગીચામાં કામ કરતા મજૂરોનું શોષણ અને વિકાસ જેવા મુદ્દાઓ કેન્દ્રમાં છે. આ તબક્કામાં સૌથી વધુ બેઠકો પર ચૂંટણી યોજાઈ રહી છે. આ 45 બેઠક પર ભાજપને 2019ની લોકસભાની ચૂંટણીમાં ટીએમસી કરતાં વધારે મત મળ્યા હતા.

પાંચમા તબક્કામાં 12 કરોડથી વધુ મતદારો મતદાન કરશે. મતદાન માટે 15 હજાર 789 મતદાન કેન્દ્રો બનાવવામાં આવ્યાં છે. ભાજપ તમામ 45 બેઠક અને ટીએમસી 42 બેઠક પર ચૂંટણી લડી રહ્યા છે. કોંગ્રેસ, ડાબેરીઓ અને એના સહયોગી ભારતીય સેક્યુલર ફ્રન્ટ પણ સંયુક્ત મોરચાના બેનર હેઠળ મેદાનમાં છે.
આ તરફ, આજે 10 રાજ્યની 13 વિધાનસભા અને 2 લોકસભા બેઠક પર પણ પેટાચૂંટણી યોજાઇ રહી
પાંચમા તબક્કામાં હાઇ પ્રોફાઇલ બેઠકો
TMCના વરિષ્ઠ નેતા અને બંગાળ સરકારના પ્રધાન બ્રાત્ય બાસુ દમદમ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. અહીં કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (માર્ક્સવાદ) CPI(M)ના પલાશ દાસ તેમને ટક્કર આપી રહ્યા છે. ભાજપ તરફથી શંકર નંદા મેદાનમાં છે. પૂર્વ ટીએમસી મંત્રી મદન મિત્રા કમરહટ્ટી બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. અહીં ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ રાજુ બેનર્જી તેમને ટક્કર આપી રહ્યા છે. CPI (M)એ સાયનદીપ મિત્રને ટિકિટ આપી છે. ટીએમસીના ફાયર મિનિસ્ટર સુજિત બોઝ બિધાનનગર બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. ભાજપે સબ્યસાચી દત્તાને ટિકિટ આપી છે.

રાજારહાટ ગોપાલપુર બેઠક પરથી TMCએ સિંગર અદિતિ મુન્શીને મેદાનમાં ઉતારી છે. BJPએ પોતાના પ્રવક્તા સામયિક ભટ્ટાચાર્યને ટિકિટ આપી છે. અભિનેતા ચિરંજિત ચક્રવતીને TMCએ બારાસાત બેઠક પરથી ટિકિટ આપી છે. એની સામે BJPના શંકર ચેટર્જી ચૂંટણી લડી રહ્યા છે. જલામપુર બેઠક પર CPI(M)ના વર્તમાન ધારાસભ્ય સમર હાઝરા સામે TMCના આલોકકુમાર માંઝી મેદાનમાં છે. નક્સલવાદનું મૂળ માનવામાં આવતા નક્સલબાડીથી BJPએ આનંદમય બર્મનને ટિકિટ આપી છે. કોંગ્રેસે હાલના ધારાસભ્ય શંકર મલાકર પર દાવ લગાવ્યો છે.
સુરક્ષાદળોની 1,071 કંપનીઓ તહેનાત
ચૂંટણી શાંતિપૂર્ણ રીતે યોજવા માટે કેન્દ્રીય સુરક્ષાદળોની 1,071 કંપનીઓ તહેનાત કરવામાં આવી છે. તેમાંથી 155 કંપની પૂર્વ બર્ધમાન, 283 ઉત્તર 24 પરગના, 121 દાર્જીલિંગ, 151 નદિયા, 21 કંપની છે; કલિમ્પોંગ અને 122 કંપની જલપાઇગુડીમાં સુરક્ષા વ્યવસ્થા સંભાળશે. 15,790 પોલીસ કર્મચારીઓને પણ અલગથી તહેનાત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ભારત-તિબેટિયન બોર્ડર પોલીસ (ITBP)ના જવાન પણ ફરજ પર તહેનાત છે.
બંગાળમાં 3 તબક્કા હજી બાકી
પશ્ચિમ બંગાળની 294 બેઠક પર 8 તબક્કામાં મતદાન છે. પ્રથમ તબક્કામાં 27 માર્ચે 30 બેઠક, 1 એપ્રિલે બીજા તબક્કામાં 30 બેઠક અને ત્રીજા તબક્કામાં 6 એપ્રિલે 31 બેઠક પર મતદાન થયું હતું.
ત્યાર બાદ 10 એપ્રિલના રોજ ચોથા તબક્કાની 44 બેઠક પર મતદાન થયું હતું. આજે (17 એપ્રિલ), પાંચમા તબક્કા હેઠળ 45 બેઠક પર મતદાન થઈ રહ્યું છે. આ પછી 22 એપ્રિલના રોજ છઠ્ઠા તબક્કાની 43 બેઠક પર મતદાન થશે. આ પછી સાતમા તબક્કામાં 26 એપ્રિલના રોજ 36 બેઠક પર અને 29 એપ્રિલે આઠમા તબક્કાની 35 બેઠક પર મતદાન થવાનું છે. મતગણતરી 2મેના રોજ થશે.
કયા રાજ્યમાં કેટલી વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી?
રાજસ્થાનમાં 3, કર્ણાટકની 2 અને ગુજરાત, ઝારખંડ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, મિઝોરમ, ઓડિશા, તેલંગાણા અને ઉત્તરાખંડમાં 1-1 બેઠકો માટે મતદાન યોજાઈ રહ્યું છે. વિધાનસભા પેટાચૂંટણીની 13 બેઠકો માટે 161 ઉમેદવારો મેદાનમાં છે. નાગાલેન્ડમાં નોકસેન વિધાનસભા બેઠક માટે એચ ચૂબા ચાંગ બિનહરીફ ચૂંટાયા છે.

આ 2 લોકસભા બેઠક પર પેટાચૂંટણી
આંધ્રપ્રદેશની તિરુપતિ લોકસભા બેઠક અને કર્ણાટકની બેલગામ બેઠક માટે પણ પેટાચૂંટણી યોજાઈ રહી છે. ત્યાં 28 ઉમેદવાર મેદાનમાં છે. તિરુપતિ બેઠક પરથી તેલુગુ દેશમ પાર્ટી (TDP)થી પૂર્વ કેન્દ્રીય મંત્રી પનાબાકા લક્ષ્મી ચૂંટણી લડી રહ્યા છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા ચિંતા મોહન કોંગ્રેસના ચૂંટણી મેદાનમાં છે. ભાજપ તરફથી રત્નપ્રભા અને માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટીના નેલ્લોર યાદગિરી પણ ચૂંટણી લડી રહ્યા છે. બેલગામ લોકસભા બેઠક માટે યોજાનારી પેટાચૂંટણી માટે ભાજપે પૂર્વ કેન્દ્રીય પ્રધાન સુરેશ અંગડીની પત્ની મંગલા અંગડીને મેદાનમાં ઉતાર્યાં છે. કોંગ્રેસમાંથી પ્રદેશ કારોબારી પ્રમુખ સતીષ જેર્કીહોલી મેદાનમાં છે.