J&K Investment Summit :કોરોના મહામારીને કારણે જમ્મુ-કાશ્મીર ઈન્વેસ્ટમેન્ટ સમિટ યોજી ના શક્યું, છતાં 400 કંપની 23 હજાર કરોડનું રોકાણ કરવા તૈયાર

કોરોના કાળમાં જમ્મુ-કાશ્મીરથી સારાં સમાચાર મળ્યા છે. અહીં હવે રોકાણનું જાણે પૂર આવવાની તૈયારીમાં છે. રાજ્ય સરકારે ગત વર્ષથી અત્યાર સુધી 400 રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય કંપનીઓ સાથે એમઓયુ સાઈન કર્યા છે. આ કંપનીઓ રાજ્યમાં 18 સેક્ટરમાં 23000 કરોડ રૂપિયાનું રોકાણ કરવાની તૈયારીમાં છે.

આ કંપનીઓ શિક્ષણ, સ્વાસ્થ્ય, કૃષિ, પર્યટન, આઈટી, હેન્ડીક્રાફ્ટ્સ, ફૂડ પ્રોસેસિંગ યૂનિટ્સ, ફાર્મા, સ્કિલ ડેવલપમેન્ટ, ડેરી-પોલ્ટ્રી- ઉન, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઔષધીય છોડ, ફિલ્મ તથા રિન્યૂએબલ એનર્જીના ક્ષેત્રમાં રોકાણમાં રસ દાખવી રહી છે.રાજ્યના ઉદ્યોગ તથા વાણિજ્ય વિભાગના અધિકારીએ જણાવ્યું કે આ કંપનીઓ રાજ્યોમાં એકમની સ્થાપના કરશે તો યુવાઓ માટે રોજગારીનો માર્ગ મોકળો થશે. કેટલીક કંપનીઓએ તો કામ પણ શરૂ કરી દીધું છે પણ મોટાભાગની કંપનીઓ હાલ કોરોનાની સ્થિતિમાં સુધારાની રાહ જોઈ રહી છે. રાજ્ય સરકારનું લક્ષ્ય આગામી 15 વર્ષમાં રાજ્યમાં 1 લાખ કરોડ રૂપિયાનું રોકાણ લાવવાની છે.

અહીં રોકાણ માટે ઈચ્છુક મોટી કંપનીઓમાં આત્મીય ફીલ્ડકોન અને એચપી કેપિટલ પણ સામેલ છે. આત્મીય ફિલ્ડકોન અહીં 650 કરોડ રૂપિયાના રોકાણથી હેલ્થકેર ફેસિલિટી ઊભી કરવા માગે છે. આર.કે.એસોસિએટ્સ અહીં 500 કરોડના રોકાણથી હોટેલ બનાવવા માગે છે. જોકે નેશનલ એગ્રિકલ્ચર કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા અહીં 1700 કરોડના રોકાણથી સઘન પ્લાન્ટેશન અને કોલ્ડ સ્ટોરેજ કલ્સ્ટર વિકસિત કરશે. ફ્લિપકાર્ટે સ્થાનિક કારીગરોના હુનરને બજાર આપવામાં રસ દાખવ્યો છે.

અબુધાબીની કંપની લુલુ અહીં ફૂડ પ્રોસેસિંગ યૂનિટ્સ સ્થાપિત કરવા માગે છે. રોકાણની ઈચ્છુક કંપનીઓમાં રિલાયન્સ એમ્યુનિશન લિ., જેક્સન ગ્રૂપ, ઈન્ડો-અમેરિકન સિનર્જી, કૃષ્ણા હાઈડ્રો પ્રોજેક્ટ્સ, યુનિવર્સલ સક્સેસ એન્ટરપ્રાઈઝ, સર્વોટેલ અને શ્રી સિમેન્ટ પણ સામેલ છે. રાજ્ય સરકારે ગત વર્ષે પહેલીવાર જેએન્ડકે ગ્લોબલ ઈન્વેસ્ટર સમિટના આયોજનની તૈયારી કરી હતી. જોકે કોરોનાને કારણે તેને સ્થગિત કરાઈ હતી.

શિક્ષણમાં રોકાણથી રાજ્યના બાળકોએ બહાર જવા મજબૂર નહીં થવું પડે
શિક્ષણના ક્ષેત્રમાં પણ અનેક કંપનીઓએ રસ દાખવ્યો છે. રાજ્યના હજારો બાળકો અલગ અલગ કોર્સમાં એડમિશન માટે રશિયા, તૂર્કી, બાંગ્લાદેશ, યૂકે જ નહીં દેશના બીજા શહેરોમાં આવેલી સંસ્થાનોમાં પણ જાય છે. જો આ કંપનીઓ રાજ્યમાં શિક્ષણ સંસ્થાન શરૂ કરે તો અહીંના બાળકોએ બહાર નહીં જવું પડે. સ્વાસ્થ્યના ક્ષેત્રમાં રોકાણથી રાજ્યના લોકોએ સારવાર માટે બહાર નહીં જવું પડે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *