કોરોનામાં રાજ્ય સરકારની આબરૂ બચાવવા સી.આર પાટીલ સંગઠન સાથે મેદાને

રાજ્યમાં છેલ્લા 10 દિવસથી કોરોનાએ મચાવેલા તાંડવ વચ્ચે હવે સરકારની લાજ બચાવવા ભાજપ મેદાનમાં. ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે વેબીનાર યોજીને પ્રદેશ હોદેદારો, ધારાસભ્યો, સાંસદો, તાલુકા-જિલ્લા પંચાયતના પદાધિકારીઓ અને 8 મનપાના મુખ્ય 5 હોદેદારોને જમીન પર ઉતરવા આદેશ કર્યો છે. ભાજપના ધારાસભ્યો અને સાંસદો ને 100-100 બેડના કોવિડ સેન્ટર બનાવવા ભાજપ પ્રમુખે મજૂરાના યુવા ધારાસભ્ય હર્ષ સંઘવી અને કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાનું ઉદાહરણ આપ્યું.

આ બંને ધારાસભ્યોની કામગીરી બિરદાવીને આ જ રીતે અન્ય ધારાસભ્યો-સાંસદો પણ કોવિડ સેન્ટર બનાવે જેથી સરકારી હોસ્પિટલો પર ભારણ ઘટે. ખાનગી તબીબો અને ભાજપના ડોક્ટર સેલને સાથે રાખીને આ પ્રકારની વ્યવસ્થા ઉભી કરવા ભાજપ પ્રદેશ પ્રમુખે સૂચના આપી. તો સાથે જ પ્રદેશ હોદેદારો અને જિલ્લા- શહેર પ્રમુખોની હોમ આઇસોલેટ દર્દીઓ માટે ટિફિન સેવા અને દવા અંગે મદદ કરવા સૂચના આપી છે. પ્રદેશ સ્તરેથી ભાજપ કોવિડ હેલ્પ સેન્ટર શરૂ કરશે. જેથી લોકોને સીધી મદદ કરી શકાય. આ પ્રદેશના હેલ્પ સેન્ટર સાથે જિલ્લા-શહેરના હેલ્પસેન્ટર જોડાયેલા રહેશે.

છેલ્લા 10 દિવસ થી રાજ્યમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે અને લોકોની હાલાકી પણ વધી છે. એક તરફ હાઇકોર્ટે સરકારની કામગીરીની ઝાટકણી કાઢી છે ત્યારે સોશિયલ મીડિયામાં પણ ભાજપ સરકારની કામગીરી અને નિસફળતા અંગે લોકો આક્રોશ ઠાલવી રહ્યા છે. જે બાદ હવે ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે વેબીનાર યોજી ને આ આક્રોશ ઘટાડવા અને લોકો વચ્ચે જવા ભાજપના પદાધિકારીઓ, ચૂંટાયેલા જનપ્રતિનિધિ ઓને સૂચના આપી છે.

સુરત સિવાયના મહાનગરપાલિકા વિસ્તારોમાં અધિકારી રાજના કારણે ભાજપના ચૂંટાયેલા જનપ્રતિનિધીઓ સાઈડલાઈન કે પછી મૌન થઈ ગયા હતા. મુખ્યમંત્રી રૂપાણીએ પણ તેમને કોઈ ફરિયાદ ન કરવા સૂચના આપી હતી જેના કારણે મોટાભાગના કોર્પોરેટરો-ધારાસભ્યો ટેલિફોનિક મદદ કરીને જ સંતોષ માની રહ્યા હતા. જેના કારણે મહાનગરોમાં લોકોનો રોષ વધ્યો હતો. હવે ભાજપના નેતાઓ લોકો વચ્ચે મદદ કરવા જશે. ટિફિન સેવા ઉપરાંત લોકોને દવાઓ સહિતની સુવિધાઓ મળી રહે અને હાલાકી ઘટે તે માટે પ્રયાસ કરશે.

પ્રદેશ અધ્યક્ષની સૂચના પ્રમાણે તમામ શહેર-જિલ્લા સંગઠનોએ કામગીરીમાં જોડાવાનું છે અને લોકો સુધી પહોંચવાનું છે. જે વિસ્તારોમાં રસીકરણ ઓછું છે ત્યાં રસીકરણ વધારવા લોકોને સમજાવવાનું પણ કામ કરવાનું રહેશે. રાજ્યમાં કોરોનાનો કહેર વધવા સાથે રસીકરણ સતત ઘટી રહ્યું છે જે જાળવવાની જવાબદારી ભાજપ સંગઠન નિભાવશે. એમ્બ્યુલન્સ માટે વેઈટિંગ હોય તેવા સમયે લોકોને ગ્રામ્ય વિસ્તારોમાં પરેશાની ન થાય તે માટે તાલુકા-જિલ્લા પંચાયતના પદાધિકારીઓ ને પણ સૂચના આપવામાં આવી છે.

આમ હવે લોકોમાં જે નારાજગી અને આક્રોશ સરકાર પ્રત્યે જોવા મળી રહ્યો છે તેને ઠારવાનો પ્રયાસ ભાજપ સંગઠનના માધ્યમથી કરશે. રાજ્યમાં ભાજપનું સંગઠન ગ્રામ્ય સ્તર સુધી વિસ્તરેલું છે ત્યારે તેનો વ્યાપક અને પ્રજાલક્ષી ઉપયોગ કરવા પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે સીધી સૂચના આપી છે. પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ પણ સી આર પાટીલ સાંસદ તરીકે સુરત અને નવસારી માં સતત કાર્યશીલ રહ્યા છે ત્યારે હવે તે જ રીતે અન્ય સાંસદો પણ કામગીરી કરે તેવી આશા તેઓ રાખી રહ્યા છે. જોવાનું એ રહેશે કે ભાજપ અધ્યક્ષની આ સુચનાનો કોરોનાકાળમાં જમીન પર કેટલો અમલ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *