નેશનલ લોકડાઉનઃ અમિત શાહે કહ્યું, ‘હવે રાજ્યો પાસે અધિકાર’

કોરોનાના કારણે દેશની સ્થિતિ વધારેને વધારે કથળી રહી છે અને અનેક રાજ્યોએ પોતાના ત્યાં મિનિ લોકડાઉન કે નાઈટ કર્ફ્યુ જેવા પ્રતિબંધો લાગુ કર્યા છે. પરંતુ જે પ્રકારની સ્થિતિ નિર્માણ પામી રહી છે તે જોતા ફરી એક વખત નેશનલ લોકડાઉનનું જોખમ વર્તાઈ રહ્યું છે. આ મામલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે, પ્રતિબંધો અંગે નિર્ણયો લેવાની છૂટ કેન્દ્રએ હવે રાજ્યોના હાથમાં આપી દીધી છે, રાજ્ય સરકારો જ પોતાની રીતે નિર્ણય લઈ રહી છે.

અમિત શાહના કહેવા પ્રમાણે 3 મહિનાથી તેમણે પ્રતિબંધો મુકવાનો અધિકાર રાજ્યોને આપી દીધો છે કારણ કે, દરેક રાજ્યની સ્થિતિ એક સરખી નથી. આ સંજોગોમાં રાજ્ય સરકારોએ પોતાની પરિસ્થિતિ પ્રમાણે નિર્ણય લેવાનો રહેશે. અમિત શાહે જણાવ્યું કે, જ્યારે પહેલી વખત લોકડાઉન લાગ્યુ ત્યારે દેશમાં હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ખૂબ જ નબળું હતું. પહેલા બેડ્સ, ટેસ્ટિંગ, ઓક્સિજન સહિત અનેક પ્રકારની સગવડો નહોતી. જો કે, હવે કેન્દ્ર અને રાજ્યોની મદદથી ઘણી તૈયારીઓ થઈ ગઈ છે. કોરોના સામે લડવા માટે દરેક રાજ્યોએ પોતાની સ્થિતિ પ્રમાણે જાતે જ નિર્ણયો લેવા પડશે અને કેન્દ્ર સરકાર તેમની પૂરી મદદ કરશે.

કુંભ વિશે શું કહ્યું

કેન્દ્રીય મંત્રી અમિત શાહે કહ્યું કે, કુંભ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે જ સંતો સાથે વાત કરી છે અને કુંભને પ્રતીકાત્મક રાખવા જણાવ્યું છે. આશરે 13 પૈકીના 12 અખાડાઓએ પોતાના તરફથી કુંભની સમાપ્તિની જાહેરાત કરી દીધી છે. હવે લોકોની સંખ્યા પણ ઘટી રહી છે. જે રાજ્યોમાં વિદેશથી આવનારા લોકોની અવર-જવર વધારે છે ત્યાં કોરોનાનો પ્રસાર ઝડપથી થયો છે. જે રાજ્યોમાં કુંભ કે ચૂંટણી નથી ત્યાં પણ કોરોનાના આંકડા ઝડપથી વધી રહ્યા છે અને તે દેશમાં સર્વાધિક છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *