દિલ્હીમાં લોકડાઉન:આજે રાતે 10 વાગ્યાથી 26 એપ્રિલ સવારે 5 વાગ્યા સુધી લોકડાઉન ; એક સપ્તાહ નું લોકડાઉન…

કોરોનાવાયરસના વધતા જતા જોખમ દિલ્હીમાં ફરી એકવાર લોકડાઉન લગાવવામાં આવ્યું છે. મુખ્યમંત્રી કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું છે કે, દિલ્હીમાં આજે રાતે 10 વાગ્યાથી 26 તારીખે સવારે 6 વાગ્યા સુધીમાં લોકડાઉન લગાવવામાં આવ્યું છે.

દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાની બેકાબૂ ગતિ વચ્ચે લોકડાઉન લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. લેઉપરાજયપાલ અનિલ બૈજલ અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. દિલ્હીમાં સોમવારે (આજે) રાત્રે 10 વાગ્યાથી 26 એપ્રિલની સવાર સુધી લોકડાઉન લાગુ રહેશે. આ દરમિયાન જરૂર વિના બહાર નીકળવાનું પ્રતિબંધિત રહેશે અને વીક એન્ડ લોકડાઉન જેવા પ્રતિબંધો હશે.

કેજરીવાલે કહ્યું, દિલ્હીમાં લોકડાઉન કરવું ખુબ જ જરૂરી
અરવિંદ કેજરીવાલે કહ્યું કે દિલ્હીમાં દરરોજ લગભગ 25 હજાર કેસ નોંધાઈ રહ્યા છે, દિલ્હીમાં બેડની ભારે અછત છે. દિલ્હીમાં હોસ્પિટલોમાં દવાઓ ઉપલબ્ધ નથી, ઓક્સિજન નથી. દિલ્હીની આરોગ્ય વ્યવસ્થા વધુ દર્દીઓ સંભાળી શકે તેમ નથી, તેથી લોકડાઉન કરવું ખુબ જ જરૂરી છે.

દિલ્હી સરકારે કોઈનો પણ મોતનો આંકડો કોઈથી છુપાવ્યો નથી
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપી હતી કે કોરોના સામેની આ લડતમાં જનતાની મદદ જરૂરી છે, અમે દરેક બાબત લોકો સમક્ષ મૂકી છે. દિલ્હીમાં આજે સૌથી વધુ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે, દરરોજ ટેસ્ટિંગની સંખ્યા વધારવામાં આવી રહી છે. દિલ્હી સરકારે કોઈનો પણ મોતનો આંકડો કોઈથી છુપાવ્યો નથી. દિલ્હીમાં કેટલા બેડ્સ, આઈસીયુ બેડ્સ અને હોસ્પિટલોની હાલત શું છે, અમે જનતાને જણાવી દીધું છે.

શું ખુલ્લું રહેશે અને શું બંધ રહેશે?
એક અઠવાડિયાના લોકડાઉન દરમિયાન દિલ્હીમાં કડક પ્રતિબંધો અમલમાં રહેશે. દિલ્હીમાં જરૂર વગર કોઈને પણ ઘરની બહાર નીકળવાની મંજૂરી નથી. ફક્ત મહત્વપૂર્ણ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો જ બહાર જઇ શકશે. દિલ્હીની તમામ ખાનગી ઓફિસોએ વર્ક ફ્રોમ હોમ દ્વારા જ કામ કરવું પડશે, ફક્ત અડધા કર્મચારીઓ જ સરકારી કચેરીમાં આવી શકશે.

જેઓ હોસ્પિટલ જઇ રહ્યા છે, મેડિકલ સ્ટોર્સમાં જાય છે, જેઓ વેક્સિન લેવા માટે જાય છે તેઓને લોકડાઉનમાં મુક્તિ મળશે. રેલ્વે સ્ટેશન, એરપોર્ટ, બસ સ્ટેશનજનારાઓને પણ છૂટ રહેશે.

મેટ્રો, બસ સર્વિસ ચાલુ રહેશે. પરંતુ 50 ટકા મુસાફરોને બેસવાની મંજૂરી રહેશે. દિલ્હીમાં બેન્ક અને એટીએમ ખુલ્લા રહેશે, સાથે પેટ્રોલ પંપ પણ ચાલુ રહેશે. ધાર્મિક સ્થળો પણ ખુલ્લા રહેશે, પણ કોઈ મુલાકાતીને પ્રવેશની મંજૂરી આપવામાં આવશે નહીં.

દિલ્હીમાં તમામ થિયેટર, ઓડિટોરિયમ, સ્પા, જિમ, સ્વિમિંગ પુલ બંધ રહેશે. ગઈ વખતે થિયેટરને 50% ક્ષમતા સાથે ખોલવામાં આવ્યા હતા. જે પહેલેથી જ લગ્ન કાર્યક્ર્મ નક્કી છે તેમને છૂટ મળશે પર માત્ર 50થી ઓછા લોકોને જ બોલાવી શકાશે. અને આ માટે પણ ઇ-પાસ લેવો પડશે.

મહત્વપૂર્ણ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોએ આઈડી કાર્ડ બતાવ્યા બાદ જ બહાર જવા દેવામાં આવશે. એક રાજયમાંથી બીજા રાજયમાં જતી જાહેર પરિવહન સેવા ચાલુ રહેશે. તમા પ્રકારના જાહેર, રાજકીય કે ધાર્મિક કાર્યક્રમના આયોજન પર પ્રતિબંધ રહેશે. કોઈ સ્ટેડિયમમાં મેચ કે આયોજન દર્શકો વિના જ કરી શકાશે.

અરવિંદ કેજરીવાલે કહ્યું કે લોકડાઉનથી કોરોના જતો નથી, ફક્ત તેની સ્પીડ પર બ્રેક લાગે છે. આ લોકડાઉન ટૂંકૂ રહેશે, આ સમય દરમિયાન અમે દિલ્હીમાં બેડની સંખ્યામાં વધારો કરીશું. નોંધનીય છે કે દિલ્હીમાં કોરોના સંકટને કારણે સ્થિતિ ખૂબ બેકાબૂ થઈ ગઈ છે. દિલ્હીની ઘણી મોટી હોસ્પિટલોમાં બેડ્સ નથી, ઓક્સિજન પણ મળી શકતો નથી. આ જ કારણ છે કે દિલ્હીમાં હવે આ કડક નિર્ણય લેવો પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *