પહેલી મેથી 18 વર્ષથી વધુ વયના દરેક લોકોને કોરોનાની રસી અપાશે

કોરોના વાઇરસના કેસો ઝડપથી વધી રહ્યા છે જેની સામે કેન્દ્ર સરકારે રસીકરણનું પ્રમાણ પણ વધારી દીધુ છે. સરકારે જાહેર કર્યું છે કે પહેલી મેથી દેશભરમાં ૧૮ વર્ષથી વધુ વયની દરેક વ્યક્તિને કોરોનાની રસી આપવાનું શરૂ કરવામાં આવશે. હાલ રસીની વય મર્યાદા ૪૫ વર્ષથી વધુની હતી જેને હવે ઘટાડીને ૧૮ વર્ષની કરી દેવામાં આવી છે. જેને પગલે હવે યુવા વયના લોકોને પણ રસી આપવામાં આવશે.

ઘણા રાજ્યોમા રસીની અછતની ફરિયાદો સામે આવી રહી છે જ્યારે આ રાજ્યોએ રસીની વય મર્યાદાને ઘટાડવાની માગણી પણ કરી હતી. આ પરિસ્થિતિ વચ્ચે હવે દેશભરમાં ૧૮ વર્ષથી વધુ વયનાને રસી આપવાની છુટ કેન્દ્ર સરકારે આપી દીધી છે. જે સાથે જ રસીનું ઉત્પાદન પણ વધે તે હેતુથી રસી બનાવતી કંપનીઓને કેન્દ્ર સરકાર ૪૫૦૦ કરોડ રૂપિયા આપશે. એવા અહેવાલો છે કે કેન્દ્ર સરકારે સીરમ ઇંસ્ટીટયૂટ ઓફ ઇન્ડિયાને ત્રણ હજાર કરોડ જ્યારે ભારત બાયોટેકને ૧૫૦૦ કરોડ રૂપિયા આપવાની તૈયારી કરી લીધી છે.

ભારત બાયોટેક હાલ કોવેક્સિનનું ઉત્પાદન કરી રહી જ્યારે સિરમ કોવિશીલ્ડ રસી આપી રહી છે. પૂર્વ વડા પ્રધાન મનમોહનસિંહે પણ પીએમ મોદીને પત્ર લખીને રસીકરણની પ્રક્રિયાને વધુ ઝડપી અને વધુમાં વધુ લોકો સુધી રસી પહોંચે તે માટે પત્ર લખ્યો હતો. કેમ કે રસીને કોરોના સામેની લડાઇમાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. પહેલી મેથી રસીકરણની ત્રીજા તબક્કાની શરૂઆત થવા જઇ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *