હવે કપડાની જેમ વારંવાર પહેરી શકાશે PPE કીટ, IIT મંડીના સંશોધકોને મળી સફળતા

કોરોનાની બીજી લહેર વચ્ચે હિમાચલ પ્રદેશની આઈઆઈટી મંડીના વૈજ્ઞાનિકોએ પીપીઈ કીટ અને માસ્ક માટે એક એવું ફેબ્રિક તૈયાર કર્યું છે જે કોરોના વાયરસને નષ્ટ કરવામાં સક્ષમ હશે. આ પ્રકારના કાપડમાંથી બનેલું એક માસ્ક 30 રૂપિયામાં તૈયાર થશે જ્યારે કીટના વિશેષ કાપડની કિંમત પ્રતિ સ્ક્વેર સેમી 2.5થી 3 રૂપિયા હશે.

આ ફેબ્રિકથી બનેલી કીટનો ઉપયોગ સાધારણ કપડાની જેમ વારંવાર કરી શકાશે. તડકામાં રાખવાથી આ મટીરિયલ પોતાની સફાઈ કરવા સક્ષમ બનશે. આ ફેબ્રિકથી શ્વાસ લેવાની ક્ષમતામાં કોઈ ઘટાડો નહીં થાય. આઈઆઈટી મંડીની સ્કુલ ઓફ બેઝિક સાયન્સના સંશોધકોએ આ જોરદાર શોધ કરી છે. સંશોધન પ્રમાણે આ ફેબ્રિકથી બનેલી પીપીઈ કીટ અને માસ્કને 60 વખત ધોવામાં આવે ત્યાર બાદ પણ તેની ઉત્તમ એન્ટીબેક્ટેરિયલ ક્ષમતા જળવાઈ રહેશે.

આ છે તકનીક

આ ફેબ્રિકમાં મોલિબ્ડેનમ સલ્ફાઈડ, એમઓએસ2ના નેનોમીટર આકારની શીટ સામેલ કરવામાં આવી છે. તેના ધારદાર કિનારા અને ખૂણા ચપ્પાની જેમ બેક્ટેરિયા અને વાયરલ પટલનો છેદ કરી તેને મારી નાખે છે. નેનોનાઈફ મોડિફાઈડ ફેબ્રિકમાં 60 વખત સુધી ધોવાયા બાદ પણ ઉત્તમ એન્ટીબેક્ટેરિયલ ક્ષમતા જોવા મળી હતી. પીપીઈ કીટ અને માસ્કના નિકાલમાં લાપરવાહીથી સંક્રમણ ફેલાવાનું જોખમ છે પરંતુ આ ફેબ્રિક આવા જોખમને ઘટાડે છે. આ ફેબ્રિકને ફક્ત આકરા તડકામાં રાખવામાં આવે એટલે તે સાફ થઈને ફરી પહેરવા યોગ્ય બની શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *