સુરેંદ્રનગરના વઢવાણના ધારાસભ્ય ધનજી પટેલે પોતાની જગ્યા મંગલ ભવન ખાતે 250 બેડની કોવિડ હોસ્પિટલ શરૂ કરી છે. સંક્રમણ વધવાના કારણે જિલ્લામાં આવેલી ખાનગી અને સરકારી હોસ્પિટલો ફૂલ છે. એવામાં વઢવાણના ધારાસભ્ય ધનજી પટેલે મંગલ ભવન ખાતે પોતાના 20 હજાર ચોરસ ફૂટની વિશાળ જગ્યા પર 250 બેડ઼ની કોવિડ હોસ્પિટલ શરૂ કરી છે. આ કોવિડ કેર સેન્ટરમાં 50 બેડ ઑક્સિજનની સુવિધા સાથેના અને 250 બેડ ઑક્સિજન વગરના છે. તો આ હોસ્પિટલમાં દર્દીઓને વિનામૂલ્યે સારવાર અને જમવાની સુવિધા મળશે.
ગઈકાલે રાજ્યમાં પ્રથમ વખત 11,403 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 116 લોકોનાં મૃત્યુ થયા છે તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક વધીને 5494 પર પહોંચી ગયો છે.
રાજ્યમાં ગઈકાલે 4179 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,41,724 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 68 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 68754 પર પહોંચ્યો છે. જેમાંથી 341 લોકો વેન્ટિલેટર પર અને 68413 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 82.15 ટકા છે.