મનમોહન સિંહને કોરોના : કોરોના પોઝીટીવ આવતા સારવાર માટે દિલ્હી AIIMS માં દાખલ કરાયા

દેશના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ડો.મનમોહન સિંહ કોરોના સંક્રમિત થયા છે. તેમને સારવાર માટે દિલ્હી AIIMSમાં દાખલ કરવામાં આવ્યા છે. ખાસ વાત એ છે કે ભૂતપૂર્વ PM કોરોના વેક્સિનના બે ડોઝ લઈ ચૂક્યા છે. તેમને સ્વદેશી કોવેક્સિનનો પહેલો ડોઝ 3 માર્ચ અને બૂસ્ટર ડોઝ 4 એપ્રિલના રોજ આપવામાં આવ્યો હતો. આ સ્થિતિને જોતાં તેઓ બીજો ડોઝ લીધાને 2 સપ્તાહનો સમય પૂરો કરી ચૂક્યા હતા.

ભૂતપૂર્વ પ્રધાનમંત્રીએ રવિવારે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને કોરોનાનો સામનો કરવા માટે 5 સૂચનો આપ્યા હતા. તેમણે PM મોદીને પત્ર લખી યુરોપ અને અમેરિકામાં મંજૂરી ધરાવતી વેક્સિનનો દેશમાં ટ્રાયલની શરત વગર ઉપયોગ કરવા મંજૂરી આપવા કહ્યું હતું. આ સાથે વેક્સિનેશન ડ્રાઈવમાં ઝડપ લાવવા તથા વિદેશી કંપનીઓ પાસેથી વેક્સિન મગાવવા માટે એડવાન્સ ઓર્ડર આપવાની પણ સલાહ આપી હતી.

મોદીને મનમોહનની 5 સલાહ

1. સરકારે લોકોને જણાવવું જોઈએ કે કયા વેક્સિન પ્રોડયુસર્સને કેટલા ડોઝના ઓર્ડર આપવામાં આવ્યા છે અને આગામી 6 મહિના સુધી એની સપ્લાઇ માટે કેટલા ઓર્ડર સ્વીકારવામાં આવ્યા છે. જો આપણે આ 6 મહિના દરમિયાન કોઈ નિશ્ચિત જનસંખ્યાને વેક્સિન લગાડવાની છે તો તેના માટે આપણે એડવાન્સમાં ઓર્ડર દેવા જોઈએ કે જેથી વેક્સિન સપ્લાઈમાં મુશ્કેલી ન આવે.

2. સરકારે એમ પણ જણાવવું જોઈએ કે આ બધું કઈ રીતે કરવામાં આવશે અને તમામ રાજ્યોમાં વેક્સિન કઈ રીતે વહેંચવામાં આવશે. કેન્દ્ર સરકાર રાજ્યોને 10 ટકા વેક્સિનની ડિલિવરી ઈમર્જન્સી તરીકે કરી શકે છે. એ બાદ વેક્સિનની ડિલિવરી થયા પછી આગળની સપ્લાઇ કરવામાં આવે.

3. રાજ્યોને ફ્રન્ટલાઈનવર્કર્સ નક્કી કરવામાં થોડી રાહત આપવી જોઈએ, જેથી 45 વર્ષથી ઓછી ઉંમર હોવાના સંજોગોમાં તેમને પણ વેક્સિન લગાવી શકાય. ઉદાહરણ તરીકે એવું બની શકે છે કે શિક્ષકો, બસ-ટેક્સી-થ્રી વ્હીલર ચલાવનારા, નગરપાલિકા અને પંચાયતના સભ્યો તથા વકીલોને ફ્રન્ટલાઈનવર્કર્સ જાહેર કરવા. આ સંજોગોમાં તેમને 45 વર્ષથી ઓછી ઉંમરના હોવાના સંજોગોમાં પણ વેક્સિન લગાવી શકાય છે.

4. છેલ્લા એક દાયકાથી ભારત વિશ્વનો સૌથી મોટો વેક્સિન ઉત્પાદક દેશ તરીકે ઊભરી રહ્યો છે. ખાસ કરીને ખાનગી ક્ષેત્રમાં. સરકાર દ્વારા જે નીતિ અપનાવવામાં આવી છે એને લીધે આ શક્ય બન્યું છે. આ ઈમર્જન્સીની સ્થિતિમાં સરકારે વેક્સિન ઉત્પાદકોએ ઉત્પાદન વધારવા માટે સુવિધાઓ અને રાહતો આપવી જોઈએ. કાયદામાં લાઇન્સને લગતા નિયમોને ફરી શરૂ કરવા જોઈએ, જેથી કંપનીઓ તે હેઠળ લાઈસન્સ પ્રાપ્ત કરી ઉત્પાદન શરૂ કરી શકે. એઈડ્સ જેવી બીમારીઓ સામે લડવાના સમયે અગાઉ પણ આ પ્રમાણે કરવામાં આવ્યું છે. કોવિડની વાત કરીએ તો મેં વાંચ્યું છે કે ઈઝરાયેલે કમ્પલ્સરી લાઈસન્સની જોગવાઈ લાગુ કરી છે. ભારતમાં વધી રહેલા કોરોનાના કેસને જોતાં અહીં પણ આ બાબતને લાગુ કરી શકાય છે.

5. સ્વદેશી વેક્સિનનો પુરવઠો મર્યાદિત છે. આ સંજોગોમાં યુરોપિયન મેડિકલ એજન્સી અને USFDA જેવી વિશ્વસનીય એજન્સીઓ કે જેમણે વેક્સિનને મંજૂરી આપી છે એની ઘરેલુ ટ્રાયલ જેવી શરતો વગર મગાવવામાં આવે. મને લાગે છે કે ઈમર્જન્સીની સ્થિતિમાં નિષ્ણાતો પણ એને યોગ્ય માનશે. આ સુવિધા નિયત સમય સુધી જ હોવી જોઈએ, જેમાં ભારતમાં બ્રિજ ટ્રાયલને પૂરી કરી લેવામાં આવશે. જે લોકોને આ વેક્સિન આપવામાં આવશ તેમણે પણ આ અંગે જાણકારી આપવામાં આવશે કે તેમને વિદેશની વિશ્વસનીય એજન્સીઓની મંજૂરી ધરાવતી વેક્સિન આપવામાં આવી છે.​​​​

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *