મહા ગુજરાત બેંક એમ્પલોઈઝ એસોસિએશને મુખ્યપ્રધાન વિજય રૂપાણીને લેખિતમાં રજુઆત કરી છે. તેમણે જણાવ્યું છે કે બેંક(Bank)નું જરૂરી કામકાજ જ ચાલુ રાખવામાં આવે, બેંકમાંથી રોકડ ઊપાડવાનો સમય સવારે 10થી 1 રાખવામાં આવે અને એસોસિએશને લેખિતમાં મુખ્યમંત્રીને રજૂઆત કરી છે કે આગામી બે માસ સુધી બેંકમાં દર શનિવારે રજા રાખવામાં આવે. બેંકની કામગીરી ઘટાડેલા સ્ટાફથી ચલાવવા માટે પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
જણાવી દઈએ કે રાજ્યમાં માત્ર કોરોના જ નહીં, પરંતુ હવે તો આંકડા પણ લોકોને ડરાવી રહ્યા છે. પાંચ આંકડામાં પહોંચેલી કેસોની સંખ્યામાં 1 હજારનો ઉછાળો આવ્યો છે અને પાછલા 24 કલાકમાં 11,403 નવા કેસ નોંધાયા છે જ્યારે 117 દર્દીઓ મોતને ભેટ્યા છે. આપ જાણીને ચોંકી ઉઠશો કે રાજ્યમાં દર કલાકે 475 લોકો સંક્રમિત થઇ રહ્યા છે જ્યારે 5 દર્દીઓ મોતની ચાદર ઓઢી રહ્યા છે.
નવા કેસ સાથે રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 4 લાખ 15 હજાર 873 પર પહોંચી છે તો કુલ મૃત્યુઆંક 5,494 થયો છે. 24 કલાકમાં 4,179 દર્દીઓ સાથે કુલ સાજા થનારા દર્દીઓની સંખ્યા 3 લાખ 41 હજાર 724 થઇ છે તો એક્ટિવ કેસોની સંખ્યા વધીને 68,754 પહોંચી છે. જ્યારે વેન્ટિલેટર પરના દર્દીઓની સંખ્યા વધીને 341 થઇ છે જ્યારે સાજા થવાનો દર ઘટીને 82.15 ટકાએ પહોંચ્યો છે.
રાજ્યના શહેરોની સ્થિતિ પર નજર કરીએ તો, અમદાવાદમાં કોરોના આક્રમક રીતે આગળ વધી રહ્યો છે. કોરોના કેપિટલ બનેલા અમદાવાદમાં 24 કલાકમાં 4,258 પોઝિટિવ કેસ સાથે 23 દર્દીઓના મોત થયા તો સુરતમાં 2,363 કેસ સાથે 30 દર્દીઓનો જીવ ગયો જ્યારે રાજકોટમાં 761 કેસ સાથે 10 દર્દીઓના મોત નિપજ્યા તો વડોદરામાં 615 કેસ સાથે 10 દર્દીઓ મોતને ભેટ્યા તો રાજ્યના અન્ય શહેરોની પણ કઇંક આવી જ હાલત છે.
જામનગરમાં 7 અને સુરેન્દ્રનગરમાં 6 દર્દીઓના મોત થયા તો ભાવનગર, ગાંધીનગર, ભરૂચ અને મોરબીમાં 3-3 દર્દીઓ મોતને ભેટ્યા જ્યારે બનાસકાંઠા, છોટાઉદેપુર, ડાંગ, દેવભૂમિદ્વારકા અને મહેસાણામાં 2-2 દર્દીઓના મોત થયા જ્યારે અમરેલી, આણંદ, અરવલ્લી, બોટાદ, જૂનાગઢ, પંચમહાલ, પાટણ અને સાબરકાંઠામાં 1-1 દર્દીનું મોત થયું.