કોંગ્રેસનેતા રાહુલ ગાંધી કોરોના સંક્રમિત થયા છે. તેમણે સોશિયલ મીડિયા પર આ અંગેની માહિતી શેર કરી છે. તેમણે જણાવ્યું હતું કે હાલ તેઓ હોમ આઈસોલેશનમાં છે. રાહુલ છેલ્લા ઘણા દિવસોથી કેરળ, પુડુચેરી, પશ્ચિમ બંગાળ, આસામ અને તામિલનાડુની ચૂંટણીઓ માટે રેલીઓ કરી રહ્યા હતા. બે દિવસ પહેલાં જ તેમણે કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને બંગાળમાં થનારી પોતાની તમામ રેલીઓને રદ કરી દીધી હતી.
બે દિવસ પહેલાં જ બંગાળ રેલી રદ કરી હતી
રાહુલ ગાંધીએ બે દિવસ પહેલાં જ બગડતી સ્થિતિને ધ્યાનમાં રાખીને બંગાળમાં તેમની દરેક ચૂંટણી રેલી રદ કરી છે. જોકે અત્યાર સુધીના 54 દિવસના ચૂંટણી પ્રચારમાં રાહુલ ગાંધીએ બંગાળમાં એક જ વાર રેલી કરી હતી. તે પણ ચોથા તબક્કા પછી. જોકે તેમણે બીજા પક્ષોને પણ ચૂંટણી રેલીઓ રદ કરવાની અપીલ કરી હતી.
રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને તેઓ બંગાળની તેમની દરેક જાહેર રેલીઓ રદ કરે છે. હું દરેક રાજકીય પક્ષોને સલાહ આપુ છું કે, હાલના સમયમાં જાહેર રેલીઓના આયોજનથી ભયંકર પરિણામ આવી શકે છે.
કેજરીવાલનાં પત્ની પણ કોરોના સંક્રમિત
કેજરીવાલનાં પત્ની પણ સંક્રમિત, CM ક્વોરન્ટીન થયા. આ પહેલાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનાં પત્ની સુનીતા કેજરીવાલ પણ કોરોના સંક્રમિત થયાં છે. તેમણે પોતાને હોમ આઈસોલેશનમાં રાખ્યા છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ ક્વોરન્ટીન થઈ ગયા છે. થોડા દિવસો સુધી તેઓ ઘરેથી કામકાજ સંભાળશે.
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ પણ કોરોનાની ઝપટમાં
નોંધનીય છે કે પૂર્વ વડાપ્રધાન અને કોંગ્રેસના સિનિયર નેતા મનમોહન સિંહ પણ હાલ કોરોના પોઝિટિવ છે. હાલ તેમને દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એઈમ્સના ડોક્ટર્સ સતત તેમના પર વોચ રાખી રહ્યા છે.
બીજી બાજુ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી-વાડ્રાના પતિ પણ થોડા દિવસ પહેલાં કોરોના પોઝિટિવ નોંધાયા હતા. રોબર્ટ વાડ્રા કોરોના પોઝિટિવ આવ્યા પછી પ્રિયંકા ગાંધીએ પોતાને આઈસોલેટ કરી લીધાં હતાં અને પોતાની બધી ચૂંટણી રેલી રદ કરી દીધી હતી.