સુરતમાં ભાજપ કાર્યાલય પરથી પાંચ હજાર રેમડિસિવિર ઇન્જેક્શનનું વિતરણ કરવાના વિવાદમાં ગુજરાત ભાજપના અધ્યક્ષ અને નવસારીના સાંસદ સી.આર. પાટીલ અને સુરતના ધારાસભ્ય હર્ષ સંઘવી સામે તપાસ કરવા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ હાઇકોર્ટમાં જાહેર હિતની રિટ કરી છે. હાઇકોર્ટે રાજ્ય સરકાર, સી.આર. પાટીલ અને હર્ષ સંઘવી સહિતના પક્ષકારોને નોટિસ પાઠવી વધુ સુનાવણી પાંચમી મેના રોજ નિયત કરી છે.
અરજદાર તરફથી આજે હાઇકોર્ટ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી કે ડ્રગ કન્ટ્રોલ એક્ટ અને ફાર્મસી એક્ટની જોગવાઇઓ પ્રમાણે સુરતનું ભાજપ કાર્યાલય, સી.આર. પાટીલ કે હર્ષ સંઘવી રેમડેસિવિર જેવી દવાની વિતરણ કરવાનો કોઇ પરવાનો કે કાયદાકીય ધરાવતા નથી. ઇન્જેક્શનના ખરીદ અને વેચાણ માટે જે કાયદાકીય જોગવાઇઓ રાખવામાં આવી છે તેનો આ વિતરણમાં ભંગ થયો છે. પુરવઠો મર્યાદિત હોવાથી ગુજરાત સહિત તમામ રાજ્યોમાં અત્યારે આ ઇન્જેક્શનની અછત સર્જાઇ છે. આવી પરિસ્થિતિ વચ્ચે ગત દિવસોમાં સુરત ભાજપ કાર્યાલય પરથી સી.આર. પાટીલે પાંચ હજાર રેમડિસિવિર ઇન્જેક્શનનું વિતરણ કર્યું છે અને વિતરણમાં હર્ષ સંઘવીએ તેમની મદદગારી કરી છે.
આ ઇન્જેક્શનનું વેચાણ અને વિતરણ રજિસ્ટર્ડ ફાર્મસિસ્ટ જ કરી શકે છે. રજિસ્ટર્ડ ફાર્મસિસ્ટ સિવાયની વ્યક્તિ આ પ્રકારની વહેંચણી કરે તો તેની સામે ગુનો બને છે. આ ઉપરાંત એપિડેમિક ડિસીઝ એક્ટ એને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ પ્રમાણે પણ જ્યારે સમગ્ર દેશમાં આ ઇન્જેક્શનની અછત છે ત્યારે રાજકીય પક્ષના કાર્યલય પરથી વહેંચણી કરી તેમણે નિયમભંગ કર્યો છે. તટસ્થ અને નિષ્પક્ષ વ્યક્તિઓની તપાસ સમિતિ બનાવી સમિતિના અહેવાલના આધારે જવાબદારો સામે દીવાની અને ફોજદારી કાર્યવાહી કરવાની માગણી અરજદાર દ્વારા કરવામાં આવી છે.