અમદાવાદ : ગુજરાતમાં કોરોનાના વકરી રહેલા કેસને ધ્યાનમાં લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતની તમામ હોસ્પિટલ, ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલ, ક્લિનિક્સ, નર્સિંગ હોમ્સને કોરોનાના દર્દીઓની સારવાર કરવાની છૂટ આપી દેવાની જાહેરાત કરી છે. આ જાહેરાત મુજબ તમામ ટ્રસ્ટની કે ખાનગી હોસ્પિટલ, ક્લિનિક્સ, દવા ખાના, ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલ્સ અને નર્સિંગ હોમ્સ આગામી ૧૫મી જૂન સુધી કોરોનાની સારવાર કરી શકશે. કોવિડ રજિસ્ટર્ડ હોસ્પિટલમાં ગમે તેટલા બેડ વધાર્યા છતાંય જગ્યા ભરાઈ જાય છે. તમામ પ્રયાસો પછી વ્યવસ્થા ઓછી પડી રહી હોવાનું જણાતા પ્રસ્તુત નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોનાના દર્દીની સારવાર ચાલુ કરવામાં આવી હોવાનું તેમણે માત્ર કલેક્ટરને જાણ કરવી પડશે. મોટા શહેરમાં મ્યુનિસિપલ કમિશનરને જાણ કરવાની રહેશે. કોરોનાની બીજી લહેરમાં સરકારના અથાગ પ્રયાસો પછીય વ્યવસ્થા અપૂરતી જ રહેતા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
મુખ્યમંત્રીએ કહ્યું હતું કે ૧૫મી માર્ચ ૨૦૨૧ના ૪૧૦૦૦ દર્દીઓની સારવાર થઈ શકે તેવી વ્યવસ્થા હતી. છેલ્લા પચ્ચીસ દિવસમાં સરકારે બેડ વધારીને ૭૮૦૦૦ કર્યા છે. પરંતુ વધતા જતાં કેસ અને વધતા સંક્રમણને કારણે આ વ્યવસ્થા ઓછી પડી રહી છે. દવાખાનાઓ, નર્સિંગ હોમ્સ, ક્લિનિક્સ તેમના દવા ખાનામાં કોરોનાના દર્દીઓને સારવાર આપી શકશે. કોરોનાના દર્દીઓની સારવાર કરવા માટે તેમણે સરકારની કોઈપણ મંજૂરી લેવી પડશે નહિ. તેઓ કોરોનાના દર્દીઓની સારવાર ચાલુ કરી રહ્યા હોવાની જાણકારી તેમણે કલેક્ટરને આપવાની રહેશે.
તેમણે કહ્યું હતું કે છેલ્લા એક વર્ષથી ડૉક્ટર્સ, નર્સ, પેરામેડિકલ સ્ટાફ, ક્લાસ થ્રી અને ફોરના કર્મચારીઓ પણ સારવારમાં જોડાય તે જરૂરી છે.ે કોરોનાના દર્દીઓની સારવારમાં જોતરાયેલા તમામને નવા પ્રોત્સાહન આપવાની પણ તેમણે જાહેરાત કરી છે.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ચીફ સેક્રેટરી અનિલ મુકીમ, આરોગ્ય સચિવ જયંતિ રવિ, હેલ્થ કમિશનર જયપ્રકાશ શિવહરેની ઉપસ્થિતમાં મળેલી કોર કમિટિની બેઠકમાં કોરોનાના દર્દીઓની સેવામાં છેલ્લા એક વર્ષથી સક્રિય તજજ્ઞા તબીબોને મહિને રૂા. ૨.૫૦ લાખનું પૅકેજ આપવાનો નિર્ણય લેવાયો છે. આ જ ર ીતે મેડિકલ ઑફિસરને મહિને રૂા. ૧.૨૫ લાખ આપવાનો નિર્ણય લેવાયો છે. ડેન્ટલના ડૉક્ટર્સને રૂા. ૪૦,૦૦૦નો પે સ્કેલ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આયુષ અને હોમિયોપથીના ડૉક્ટર્સને મહિને રૂા. ૩૫૦૦૦નો પે સ્કેલ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જુનિયર ફાર્માસિસ્ટને, એક્સ રે ટેકનિશિયનને, લેબ ટેકનિશિયનને, ઈસીજી ટેકનિશિયનને મહિને રૂા. ૧૮૦૦૦નો પે સ્કેલ આગામી જુલાઈ સુધી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છ. વર્ગ-૪ના કર્મચારીને મહિને રૂા. ૧૫૦૦૦, આઉટ સોર્સિંગથી લેવામાં આવેલી મહિલાઓને મહિને રૂા.૧૩૦૦૦ને બદલે રૂા. ૨૦૦૦૦ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ જ રીતે નવી નિમણૂક પામનારી આઉટ સોર્સિંગની બહેનોને પણ રૂા. ૧૩૦૦૦ને બદલે રૂા. ૨૦૦૦૦ આપવામાં આવશે. જૂના અને નવા બંનેને ત્રણ મહિના માટે નવા પે સ્કેલનો લાભ આપવામાં આવશે. ૩૦મી જુલાઈ સુધી તમામને આ પ્રોત્સાહન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ તમામને દર્દીઓની સેવામાં સંપૂર્ણ કમિટમેન્ટ સાથે જોડાવા માટે અપીલ પણ મુખ્યમંત્રીએ કરી છે.
મિલિટરી હોસ્પિટલમાં પણ કોરોનાની સારવારનો આજે નિર્ણય
ગુજરાતમાં જામનગર અને વડોદરાની મિલેટરીની હોસ્પિટલમાં પણ કોરોનાના દર્દીઓને ઝડપથી સારવાર મળતી થાય તે માટેનો નિર્ણય લેવામાં આવી રહ્યો છે.
કચ્છ, જામનગર, અમદાવાદ, વડોદરાની મિલિટરી હોસ્પિટલના સત્તાવાળાઓ સાથે આવતીકાલે ગુજરાત સરકારના અધિકારીઓની બેઠક યોજવાની છે. આ બેઠકને અંતે આ મુદ્દે નિર્ણય લેવામાં આવશે તેવી જાહેરાત આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરી છે.