કોરોનાના નિયમોનું પાલન કરાવતી અમદાવાદ પોલીસ પર જીવલેણ હુમલો, 10 લોકોની ધરપકડ

કોરોનાનું સંક્રમણ વધી રહ્યુ છે. કોરોનાની બીજી લહેર દેશભરમાં તબાહી મચાવી રહી છે, ત્યારે ગુજરાતમાં પણ કોરોનાને કારણે સ્થિતી ગંભીર બની છે. કોરોનાની હાલની સ્થિતી જોતા કેટલાક રાજ્યો અને શહેરોમાં લૉકડાઉન લાગુ કરાયુ છે અથવા તો કેટલાક પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે, તેવી સ્થિતીમાં હાલ પોલીસ શહેરમાં પ્રતિબંધોનું પાલન કરાવવામાં રાત દિવસ લાગી છે. પરંતુ આવા સમયમાં પણ પોલીસ અને કોરોના વોરિયર્સના રસ્તામાં લોકો અડચણ ઉભી કરી રહ્યા છે. કેટલીક જગ્યાઓથી પોલીસ સાથે ગેરવ્યાજબી વર્તન થયા હોવાના મામલા સામે આવી રહ્યા છે, તેવામાં હવે અમદાવાદના ખોખરા વિસ્તારમાં પોલીસ પર જીવલેણ હુમલો થયાની ઘટના સામે આવી છે.

મળતી માહિતી અનુસાર ગઈકાલે મોડી રાત્રે ખોખરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ભાઈપુરા વિસ્તારમાં લૉકડાઉનનું પાલન કરાવવા ગયો હતો. જ્યાં મંદિર પાસે મહિલા બુટલેગર ભુરી બોકડે, કાજીબાબા ડકાતે, સાયબા ડકાતે સહીત 10 જેટલા લોકો બેઠા હતા. જેની વિરુદ્ધ ધરપકડની કાર્યવાહી કરતા પોલીસ કર્મચારી વિજયભાઈ પર હુમલો કરવામાં આવ્યો અને જેને લઈ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

તમને જણાવી દઇએ કે આ વિસ્તારમાં અગાઉ પણ પોલીસ પર હુમલો થયાની ઘટના સામે આવી હતી. અગાઉ પણ અહીં ક્રાઈમ બ્રાંચની ટીમ પર હુલમો કરવામાં આવ્યો હતો. આમ પોલીસ દ્વારા છાવરેલા આરોપીઓ હવે પોલીસને જ પડકારે છે, ત્યારે પોલીસ આ અસામાજીક તત્વોને ક્યારે કાબૂમાં લેશે તે જોવા રહ્યુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *