ભારતીય શેરબજારોમાં તેજીના માહોલ દરમિયાન ચાલુ કેલેન્ડર વર્ષના પ્રથમ ત્રણ માસમાં જ 22 આઈપીઓ દ્રારા 2.5 અબજ ડોલર (રૂ. 18872 કરોડ)નું ફંડ એકત્ર કરવામાં આવ્યુ છે. માર્કેટ કન્સલન્ટન્સી ઈવાય ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર, ચાલુ કેલેન્ડર વર્ષના પ્રથમ ત્રિમાસિકમાં મુખ્યત્વે કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ, રિટેલ, ઈન્ડસ્ટ્રિયલ પ્રોડક્ટ્સ, ઓટોમોટિવ, ટ્રાન્સપોર્ટેશન સહિતના સેક્ટર્સના આઈપીઓ યોજાયા હતા. મેઈન બોર્ડ અને એસએમઈ સહિત કુલ 22 આઈપીઓ માર્કેટમાંથી રૂ. 18872 કરોડ (2570.44 મિલિયન ડોલર)નું ફંડ એકત્ર કરવામાં સફળ રહ્યા હતાં. જેમાં એસએમઈ સેગમેન્ટમાં 5 આઈપીઓ યોજાયા હતાં.
તે પૈકી ઈન્ડિયન રેલવે ફાઈનાન્સ કોર્પોરેશને સૌથી વધુ રૂ. 4633.38 કરોડનો આઈપીઓ યોજ્યો હતો. મેઈન બોર્ડમાં આ વર્ષે પ્રથમ ત્રિમાસિકમાં 17 આઈપીઓ, જ્યારે 2020ના પ્રથમ ત્રિમાસિકમાં 1 આઈપીઓ યોજાયો હતો. માર્કેટમાં 1600 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. જો કે, એસએમઈ સેગમેન્ટમાં આઈપીઓનુ પ્રમાણ 55 ટકા ઘટ્યુ હતું.
મંદીના માહોલ વચ્ચે 20 IPO પાઈપલાઈનમાં
કોરોનાના વધતાં કેસોના પગલે સેકેન્ડરી માર્કેટમાં હાલ મંદીનો માહોલ સર્જાયો છે. માર્કેટ ટ્રેન્ડ પોઝિટીવ થવાની સાથે જ આઈપીઓની વણઝાર શરૂ થશે. હાલ 20 કંપનીઓના આઈપીઓ પાઈપલાઈનમાં છે. 30 કંપનીઓ આઈપીઓ મારફત ફંડ એકત્ર કરવાની યોજના ધરાવે છે.
પ્રાઈમરી માર્કેટ માટે શોર્ટ ટર્મ સાવચેતીનું વલણ
ભારતની વસ્તીની તુલનાએ વેક્સિનેશન અભિયાનની ગતિ મંદ છે. જ્યારે બીજી બાજુ કોરોનાની બીજી લહેર વધુ ઘાતક બની રહી છે. તમામ પરિબળોને જોતાં પ્રાઈમરી માર્કેટ માટે શોર્ટ ટર્મ સાવચેતીભર્યો રહેશે.