ભારતની ગ્રોસરી સ્ટોર કંપની બિગ બાસ્કેટના બે કરોડ યુઝર્સનો ડેટા લીક થયો છે. શિની હંટર નામના હેકરે આ ડેટા ઓનલાઈન મૂકી દીધો હોવાનો દાવો ટેકક્રન્ચના અહેવાલમાં થયો હતો.
સાઈબર ક્રાઈમના સંદર્ભમાં અહેવાલો રજૂ કરતા અમેરિકન ઓનલાઈન અખબાર ટેકક્રન્ચના અહેવાલમાં દાવો કરાયો હતો કે બિગ બાસ્કેટના બે કરોડ યુઝર્સનો ડેટા લીક થયો છે.
અહેવાલ પ્રમાણે લીક થયેલા ડેટામાં નામ-નંબર-એડ્રેસ, ઈમેઈલ-જન્મતારીખ જેવી સંવેદનશીલ વિગતો સામેલ હતી. લાખો યુઝર્સના પાસવર્ડ પણ લીક થઈ ગયા હતા. અમેરિકન ઓનલાઈન અખબાર ટેકક્રન્ચના નિષ્ણાતોએ બિગ બાસ્કેટના યુઝર્સને તુરંત પાસવર્ડ બદલી નાખવાની સલાહ પણ આપી હતી.
રીપોર્ટ પ્રમાણે લીક થયેલો ડેટા સાઈબર ક્રાઈમ ફોરમમાં ઓનલાઈન મૂકી દેવાયો છે અને તે કોઈ પણ ડાઉનલોડ કરી શકે છે. તેના કારણે આ બે કરોડ યુઝર્સ પર હેકિંગનો ખતરો મંડરાઈ રહ્યો છે.
કંપનીએ આ બાબતે કોઈ જ સ્પષ્ટતા કરી ન હતી. અગાઉ ગયા વર્ષે ઓક્ટોબરમાં બિગ બાસ્કેટના લાખો યુઝર્સનો ડેટા લીક થયો હતો. ત્યારે કંપનીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.