રાજ્યમાં કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે કેટલાક ધારાસભ્યો રાજ્યમાં લોકડાઉન લગાવવાની માગ કરી રહ્યા છે. ત્યારે વડોદરાના વધુ એક ધારાસભ્યએ રાજ્યમાં સંપૂર્ણ લોકડાઉનની માગ કરી છે. સયાજીગંજના ભાજપના ધારાસભ્ય જીતુભાઈ સુખડીયાએ લોકડાઉન એ જ આખરી વિકલ્પ હોવાની વાત કરીને લોકડાઉન અંગે માગ કરી છે. એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં ધારાસભ્ય જીતુભાઈ સુખડીયાએ જણાવ્યું કે રાજ્યમાં સંપૂર્ણ લોકડાઉન અંગે તેઓ મુખ્યમંત્રી વિજય રૂપાણીને રજૂઆત પણ કરશે. જીતુભાઈ સુખડીયાએ તો ત્યાં સુધી શક્યતા પણ વ્યક્ત કરી દીધી કે ત્રણ મે પછી લોકડાઉન આવવાની શક્યતા છે. અગાઉ કેતન ઈનામદાર, શૈલેષ મહેતા, અક્ષય પટેલ લોકડાઉનની માગ કરી ચૂક્યા છે.
નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં 14327 નવા કેસ નોંધાયા છે. રાહતના સમાચાર એ છે કે થોડા દિવસથી નવા કેસની સંખ્યા સ્થિર થઈ છે. છેલ્લા ચાર દિવસથી નવા કેસની સંખ્યામાં ઘટાડો થયો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી વધુ 180 લોકોનાં મૃત્યુ થયા છે. તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 7010 પર પહોંચી ગયો છે.
રાજ્યમાં ગઈકાલે 9544 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 4,08,368 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ ની સંખ્યા વધીને 1 લાખ37 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 1,37,794 પર પહોંચ્યો છે. જેમાંથી 572 લોકો વેન્ટિલેટર પર અને 1,37,222 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 73.82 ટકા છે.