હરિયાણામાં કોરોના વાયરસ નો પ્રકોપ સતત વધી રહ્યો છે. કોરોના ચેન તોડવા માટે હરિયાણા સરકારે ગુંડગાંવ અને ફરીદાબાદ સહિત 9 જિલ્લામાં વીકેન્ડ લૉકડાઉન લગાવવાનો નિર્ણય લીધો છે. 30 એપ્રિલના રાત્રે 10 કલાકથી 3 મેની સવારે પાંચ કલાક સુધી લૉકડાઉન રહેશે. આ જિલ્લામાં પંચકૂલા, સોનીપત, રોહતક, કરનાલ, હિસાર, સિરસા અને ફતેહાબાદ સામેલ છે.
વીકેન્ડ લૉકડાઉન દરમિયાન જરૂરી સેવાઓને છોડી અન્ય વસ્તુ પર પ્રતિબંધ રહેશે. આ પહેલા રાજ્યમાં કલમ 144 લાગૂ કરી દેવામાં આવી છે. તે હેઠળ ચાર કે વધુ લોકો ભેગા થશે તો કાર્યવાહી કરવામાં આવશે. મહત્વનું છે કે આ મહિને હરિયાણામાં કોરોના કેસમાં સતત વધારો થયો છે. તેનાથી મૃત્યુ પામતા લોકોની સંખ્યા પણ વધી રહી છે.
હરિયાણા સરકાર તરફથી જારી આદેશમાં કહેવામાં આવ્યું છે કે કોરોના સંક્રમણના સતત વધતા મામલાને કારણે રાજ્યના 9 જિલ્લામાં લૉકડાઉન લાગૂ કરવામાં આવ્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે વીકેન્ડ લૉકડાઉન દરમિયાન કોઈપણ વ્યક્તિ ચાલીને કે ગાડીથી યાત્રા કરી શકશે નહીં અને ન કોઈ જાહેર સ્થળે જઈ શકશે.
પરંતુ આ દરમિયાન તેવા લોકોને છૂટ આપવામાં આવી છે જે કાયદો વ્યવસ્થા, ઇમરજન્સી સેવાઓ, પોલીસકર્મી, યુનિફોર્મમાં મિલિટ્રી કે સીએપીએફના જવાન, સ્વાસ્થ્ય વિભાગ, વિજળી વિભાગ અને મીડિયાકર્મી સામેલ છે. આ દરમિયાન જરૂરી વસ્તુઓના ઉત્પાદન પર કોઈ પ્રતિબંધ નથી.