દિવસેને દિવસે દેશમાં કોરોનાની સ્થિતિ વધુ ખરાબ બની રહી છે. છેલ્લા કેટલાક દિવસથી સ્થિતિ એટલી વિસ્ફોટક બની ગઈ છે કે, 3.5 લાખ કરતા પણ વધારે નવા કેસ નોંધાઈ રહ્યા છે. દેશમાં કોરોનાના કેસમાં વધારાની સાથે સાથે અનેક રાજ્યોમાં વાયરસના ખતરનાક વેરિએન્ટ પણ જોવા મળી રહ્યા છે. પછી ભલે તે ડબલ મ્યુટેન્ટ હોય કે બંગાળનો ટ્રિપલ મ્યુટેન્ટ. સ્થિતિની ગંભીરતા સમજીને દેશના 300 વૈજ્ઞાનિકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે.
300 વૈજ્ઞાનિકોનો PMને પત્ર
પત્ર દ્વારા વડાપ્રધાન મોદીને વિનંતી કરવામાં આવી છે કે, વૈજ્ઞાનિકોને તમામ પ્રકારના ડેટાનો અભ્યાસ કરવાની મંજૂરી આપવામાં આવે જેથી વાયરસને વધુ નજીકથી સમજી શકાય અને સમયસર યોગ્ય પગલા ભરી શકાય. અશોકા યુનિવર્સિટીના પ્રોફેસર શશિધરા અને કોલકાતાની NIBMGમાં વૈજ્ઞાનિક પ્રોફેસર પ્રાથો મજૂમદારે આ પત્રને ડ્રાફ્ટ કર્યો છે. શશિધરાએ ભાર આપીને કહ્યું હતું કે, દેશમાં કોરોનાની સ્થિતિ બગડી રહી છે અને સમયસર યોગ્ય પગલા નહીં ભરવામાં આવે તો સ્થિતિ બેકાબૂ થઈ જશે. તેમના કહેવા પ્રમાણે હવે વૈજ્ઞાનિકોને તમામ પ્રકારના ડેટાનો ઉપયોગ કરવાની મંજૂરી મળવી જોઈએ. તેનાથી આ મહામારી સામે પ્રભાવી રીતે લડી શકાશે અને પહેલેથી જ અનેક પ્રકારના પગલા ભરી શકાશે.
નવા વેરિએન્ટ પર અભ્યાસની વિનંતી
પત્રમાં દેશમાં કોરોનાના કેસ ખૂબ ઝડપથી વધી રહ્યા છે તે અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. અનેક સરકારી આંકડા પ્રમાણે દેશમાં હાલ જેટલા સક્રિય કેસ છે તેનાથી 20 ગણા વધારે કેસ સામે આવી ચુક્યા છે. આ સંજોગોમાં અનેક લોકો વાયરસ ફેલાવવાની સાથે સુપર સ્પ્રેડરની ભૂમિકા ભજવી રહ્યા છે. વૈજ્ઞાનિકોના મતે જો સમયસર ચોક્કસ ભવિષ્યવાણી કરી દેવામાં આવે તો સરકાર અનેક જરૂરી પગલા ભરી શકે અને લોકોનો જીવ પણ બચી શકે.
ફંડની સાથે તમામ પરમિશન પણ જોઈએ
વડાપ્રધાનને વિનંતી કરવામાં આવી છે કે, આ મુશ્કેલ સમયમાં તેમની સરકાર તરફથી વૈજ્ઞાનિકોને માત્ર ફંડ જ ન આપવામાં આવે પરંતુ સાથે તમામ પ્રકારની પરમિશન અને સપોર્ટ પણ આપવામાં આવે. સાથે જ એવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે કે, જો સમયસર કોરોના અંગેનો અભ્યાસ થાય તો દેશનું ભલુ થશે અને મોટા પાયે તબાહી પર અંકુશ મુકી શકાશે.