પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજી માટે ચૂંટણીની રણનીતિ ઘડનારા પ્રશાંત કિશોરની ભવિષ્યવાણી સાચી પડતી દેખાઈ રહી છે અને ભાજપ ડબલ ડિજિટમાં જ બેઠકો મેળવે તેમ લાગી રહ્યુ છે.
પ્રશાંત કિશોરે તો કહ્યુ હતુ કે, મારી વાત સાચી નહીં પડે તો હું ચૂંટણીની કામગીરીમાંથી સન્યાસ લઈ રહીશ.જોકે પ્રશાંત કિશોર માટે આજનો દિવસ ઉજવણીનો છે આમ છતા તેમણે હવે ચૂંટણી સ્ટ્રેટેજિસ્ટ તરીકે સન્યાસ લેવાની જાહેરાત કરી છે.એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં તેમણે કહ્યુ હતુ કે, હવે હું ભવિષ્યમાં રાજકીય પાર્ટીઓ માટે ચૂંટણી સ્ટ્રેટેજી ઘડવાનુ કામ નહીં કરુ.
તેમણે કહ્યુ હતુ કે, અત્યાર સુધી જે ભૂમિકામાં લોકો મને જોતા હતા તે ભૂમિકા ફરી ભજવવાની મારી ઈચ્છા નથી.તેમને પૂછવામાં આવ્યુ હતુ કે, આ નિર્ણય કેમ લીધો ત્યારે તેમણે જવાબ આપ્યો હતો કે આ કામ હું પહેલા પણ ક્યારેય કરવા નહોતો માંગતો પણ છેવટે આ ક્ષેત્રમાં આવી ગયો જ છું ત્યારે મારે જેટલુ કામ કરવાનુ હતુ તે કરી લીધુ.આઈ પેક( ચૂંટણી સ્ટ્રેટેજી બનાવતી પ્રશાંત કિશોરની એજન્સી)માં મારા કરતા વધારે પ્રતિભાશાળી લોકો છે અને તેઓ વધારે સારુ કામ કરશે એટલે મને લાગ્યુ છે કે, બ્રેક લેવાનો સમય આવી ગયો છે.
તેમણે કહ્યુ હતુ કે, આગળ શું કરીશ તે વિચારવા માટે મારે સમય જોઈશે.હું કશું તો કરીશ , આ ક્ષેત્ર છોડવાનુ હું લાંબા સમયથી વિચારી રહ્યો હતો પણ યોગ્ય સમય નહોતો મળી રહ્યો , હવે બંગાળ ચૂંટણીના પરિણામો મારા માટે યોગ્ય સમય છે.રાજનીતિમાં હું અગાઉ જોડાયો હતો પણ ફેલ થયો હતો.જો હવે ફરી હું રાજકારણમાં પાછો ફરીશ તો પણ વિચારીશ કે ક્યાં કમી રહી ગઈ હતી.એ પછી કોઈ નિર્ણય કરીશ.