હરિયાણામાં સોમવારથી એક અઠવાડિયાનું લૉકડાઉન રહેશે. હરિયાણાના ગૃહ અને આરોગ્ય મંત્રી અનિલ વિજે રવિવારે સોશિયલ મીડિયામાં આ જાહેરાત કરી. કોરોનાના વધતા કેસને પગલે આ નિર્ણય કરાયો. આ પહેલા અહીંના નવ જિલ્લામાં શનિ-રવિવારે કર્ફ્યૂ જાહેર કરાયો હતો. બીજી તરફ, ઓડિશામાં પણ 5 મેથી બે અઠવાડિયાના લૉકડાઉનની જાહેરાત કરાઈ છે. ઓડિશાના મુખ્ય સચિવ એસ. સી. મહાપાત્રાએ વીડિયો મેસેજમાં આ માહિતી આપી હતી.
ઓડિશા સરકારના આદેશમાં કહેવાયું છે કે, 5 મેથી 19 મે સુધી સમગ્ર રાજ્યમાં લૉકડાઉન રહેશે. લોકોએ સવારે 6 વાગ્યાથી બપોરે 12 વાગ્યા વચ્ચે પોતાના ઘરના 500 મીટરના વિસ્તારમાં જરૂરી ચીજવસ્તુઓ ખરીદવાની મંજૂરી અપાશે.
શનિ-રવિવારે ફક્ત આરોગ્ય સેવા સાથે સંકળાયેલા લોકો ઘર બહાર નીકળી શકશે. લૉકડાઉન અને શનિ-રવિવારનો કર્ફ્યૂ ચૂંટણી સંબંધિત કાર્યો પર લાગુ નહીં પડે. જેમ કે, અહીંની પીપલી વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી કરાવવામાં સામેલ કર્મચારીઓને અવરજવરની છૂટ અપાઈ છે. અહીં 16 મેના રોજ પેટા ચૂંટણી છે.