છેલ્લા 24 કલાકમાં દેશમાં સાડા ત્રણ લાખથી વધુ કોરોના કેસ નોંધાયા છે. આ આંકડો આશરે 50 દેશોમાં એક દિવસમાં મળેલા કેસો કરતા વધારે છે. બીજી લહેરમાં ઝડપી ફેલાઈ રહેલા સંક્રમણની ચેનને તોડવા માટે કોવિડ ટાસ્ક ફોર્સના સભ્યોએ દેશમાં સંપૂર્ણ લોકડાઉન કરવાની માંગ કરી છે. આ સભ્યોમાં એઈમ્સ અને ઇન્ડિયન કાઉન્સીલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)નો સમાવેશ થાય છે. આ મુદ્દે કેન્દ્ર સરકાર સોમવારે નિર્ણય લઈ શકે છે.
કેન્દ્ર લગાવી શકે છે આંશિક લોકડાઉન
ICMR અને એઈમ્સના અભિપ્રાય અંગે કેન્દ્રએ કોઈ નિર્ણય લીધો નથી. સૂત્રોએ જણાવ્યું છે કે 3 મે પછી કેન્દ્ર તેના પર નિર્ણય લઈ શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જો સંપૂર્ણ લોકડાઉન નહીં થાય તો આંશિક લોકડાઉનની સરકાર જાહેરાત કરી શકે છે.
નિષ્ણાંતે કહ્યું – બીજી લહેર મેમાં સમાપ્ત થઈ શકે છે, પરંતુ નિયમોનું પાલન કરવું પડશે
અશોકા યુનિવર્સિટીના ત્રિવેદી સ્કૂલ ઓફ બાયોસાયન્સિસના ડિરેક્ટર અને વાઇરોલોજિસ્ટ ડો.શાહિદ જમીલે ભાસ્કરને જણાવ્યું હતું કે મે મહીનાના બીજા અઠવાડિયામાં કોરોનાની બીજી લહેરની પીકઆવી શકે છે. હમણાં આપણે કહી શકતા નથી કે કેટલા કેસ સામે આવશે. આ આંકડો દરરોજ 5-6 લાખ કેસનો પણ હોઈ શકે છે. ખરેખર, આ આંકડો કોવિડ બાબતે રાખવામા આવતી સાવધાની અને તેના વ્યવહાર પર આધાર રાખે છે.
ડો.જમીલ માને છે કે જો લોકો કોવિડ માર્ગદર્શિકાનું પાલન કરશે, તો કદાચ મે મહીનાના અંતમાં આપણે બીજી લહેરથી બહાર આવી શકીએ છીએ, પરંતુ જો લોકો આ રીતે જ નિયમોનું ઉલ્લંઘન કરતા રહ્યા તો આ લહેર વધુ લાંબી પણ ચાલી શકે છે.
રાજ્યોએ લોકડાઉન લાદવાનો નિર્ણય લીધો છે
હાલમાં દિલ્હી, રાજસ્થાન, હરિયાણા, ઓડિશામાં સંપૂર્ણ લોકડાઉન છે. મીની લોકડાઉન મહારાષ્ટ્ર અને પંજાબમાં લાગુ કરવામાં આવ્યું છે. યુપીમાં વિકેન્ડ લોડાઉન કરવામાં આવી રહ્યું છે. મધ્યપ્રદેશમાં પણ 7 મે સુધી જનતા કર્ફ્યૂ લાદવામાં આવ્યો છે.