સુપ્રીમ કોર્ટે બુધવારે મરાઠા આરક્ષણને લઈ મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે. સર્વોચ્ય અદાલતે શિક્ષણ અને નોકરી ક્ષેત્રે મરાઠા અનામતને ગેરબંધારણીય ઠેરવી દીધી છે. કોર્ટના ચુકાદા પ્રમાણે હવે કોઈ નવી વ્યક્તિને મરાઠા આરક્ષણના આધાર પર કોઈ નોકરી કે કોલેજમાં સીટ નહીં આપી શકાય.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, મરાઠા સમુદાયને ક્વોટા માટે સામાજીક, શૈક્ષણિક રીતે પછાત ઘોષિત ન કરી શકાય, તે 2018ના મહારાષ્ટ્ર રાજ્ય કાયદા સમાનતાના અધિકારનું ઉલ્લંઘન કરે છે. કોર્ટે કહ્યું કે, તે 1992ના નિર્ણયની ફરીથી સમીક્ષા નહીં કરે, જેમાં આરક્ષણનો ક્વોટા 50 ટકા પર અટકાવી દેવામાં આવ્યો હતો.
સુપ્રીમ કોર્ટની 5 જજોની પીઠે આ નિર્ણય સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટના કહેવા પ્રમાણે મરાઠા આરક્ષણ 50 ટકાની સીમાનું ઉલ્લંઘન છે. કોર્ટના આ ચુકાદા બાદ પીજી મેડિકલ અભ્યાસક્રમમાં પહેલાથી જે દાખલા કરાયા હશે તેમાં ફેરફાર નહીં થાય, પહેલાની તમામ નિમણૂકમાં કોઈ ફેરફાર નહીં કરવામાં આવે. મતલબ કે પહેલાના દાખલા અને નિમણૂક પર પ્રભાવ નહીં પડે.
5 જજોએ 3 અલગ-અલગ નિર્ણય આપ્યા હતા પરંતુ બધાએ મરાઠા સમુદાયને આરક્ષણ ન આપી શકાય તેમ માન્યું હતું, આરક્ષણ 50 ટકાથી વધારે ન હોઈ શકે, આરક્ષણ ફક્ત પછાત વર્ગને આપી શકાય, મરાઠા આ કેટેગરીમાં નથી આવતા, રાજ્ય સરકારે ઈમરજન્સી ક્લોજ અંતર્ગત આરક્ષણ આપ્યું હતું પરંતુ અહીં કોઈ ઈમરજન્સી નહોતી.
શું છે આરક્ષણનું ગણિત
વિવિધ સમુદાયો અને આર્થિક રીતે નબળા લોકોને આપવામાં આવેલા આરક્ષણને મેળવીએ તો મહારાષ્ટ્રમાં આશરે 75 ટકા આરક્ષણ થઈ ગયું છે. 2001ના રાજ્ય આરક્ષણ અધિનિયમ બાદ મહારાષ્ટ્રમાં કુલ આરક્ષણ 52 ટકા હતું. 12-13 ટકા મરાઠા ક્વોટા સાથે રાજ્યનું કુલ આરક્ષણ 64-65 ટકા થઈ ગયું હતું. રાજ્યમાં કેન્દ્ર દ્વારા જાહેર કરાયેલો આર્થિક રીતે નબળા વર્ગ (ઈડબલ્યુએસ) માટેનો 10 ટકા ક્વોટા પણ પ્રભાવી છે.