ગુજરાત હાઈકોર્ટે , રાજ્યમાં કોરોનાની ફરી વળેલી સુનામીમાંથી લોકોને બચાવવા માટે સરકાર દ્વારા લેવાતા પગલાઓ સામે સુઓમોટો રીટ કરી છે. આ રીટ સંદર્ભે ગુજરાત હાઈકોર્ટે કેટલાક નિર્દેશો ગુજરાત સરકારને આપ્યા છે. ગુજરાત હાઈકોર્ટે, કહ્યું છે કે, કોરોનાને નિયંત્રણમાં લેવા માટે રાત્રી કરફ્યુ લગાવ્યો છે એ પૂરતા પગલા નથી. કોરોનાની ચેઈન તોડવા માટે જરૂરી તમામ કડક પગલાં ભરો.
ગુજરાત હાઈકોર્ટે, કોરોનાની સ્થિતિને લઈને કરેલ સુઓમોટો રીટમાં, ગુજરાત સરકારને નિર્દેશો કર્યા છે. જેમાં કોરોનાની ચેઈન તોડવા માટે સરકાર પગલા ભરે તેમ જણાવ્યુ છે. ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો રીટ સંદર્ભે 43 પાનાના અહેવાલમાં નિર્દેશ કર્યો છે કે, કોરોનાની સ્થિતિમાં સરકાર શુ કરી રહી છે તે આગામી સુનાવણી વખતે સોગંદનામુ રજુ કરે.
ગુજરાત હાઈકોર્ટે એમ પણ જણાવ્યુ છે કે, જીએમડીસી ગ્રાઉન્ડ નજીક યુનિવર્સિટી કન્વેન્શન હોલ ખાતે ડીઆરડીઓ અને ગુજરાત યુનિવર્સિટીના ઉપક્રમે ઊભી કરાયેલ હંગામી ધન્વંતરી હોસ્પિટલમાં સફાઈ મુદ્દે પણ હુકમ કર્યો છે. કોરોનાના પરિક્ષણ સંદર્ભે ગુજરાત હાઈકોર્ટે સરકારને નિર્દેશ કર્યો છે કે, ગુજરાતમાં RTPCR દ્વારા થતા ટેસ્ટિંગ ઉપર વધુ ભાર આપો. RTPCR ટેસ્ટિંગના યોગ્ય આંકડા આપવા હાઈકોર્ટે સરકારને નિર્દેશ કર્યો છે.
ગુજરાત હાઈકોર્ટે નોંધ્યુ છે કે, રાત્રી કરફ્યુ લાદવામાં આવ્યો છે એ પુરતુ નથી. કોરોનાની ચેઈન તોડવા માટે સરકારે કડક પગલા ભરવા જોઈએ. કોરોનાના થઈ રહેલા પરીક્ષણ બાબતે લોકોને સાચી વિગતો આપવી જોઈએ.