દેશ દોઢ વર્ષથી કોરોના મહામારીનો સામનો કરી રહ્યો છે અને છેલ્લા એક મહિનામાં કોરોનાની બીજી લહેરે ભારે વિનાશ વેર્યો છે. દેશમાં ઓક્સિજન, વેન્ટિલર સહિત હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની ભારે અછત છે. દેશના સ્મશાનોમાં કોરોના દર્દીઓના શબોના અગ્નિદાહથી આકાશમાં સતત ધૂમાડા થઈ રહ્યા છે. આવા સમયમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના ડ્રીમ પ્રોજેક્ટ એવા રૂ. ૨૦ હજાર કરોડનો સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ વર્ષ ૨૦૨૩ની ડેડલાઈનમાં પૂરો કરવાની ઊતાવળ છે. ઓક્સિજન અને હોસ્પિટલમાં બેડની અછતનો સામનો કરતી રાજધાની દિલ્હીમાં લૉકડાઊન છતાં સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટનું કામ અવિરત ચાલી રહ્યું છે. સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ માટે કેન્દ્ર સરકારે રાષ્ટ્રપતિ ભવનથી ઈન્ડિયા ગેટ સુધીનો ઐતિહાસિક રાજપથ માર્ગ ખોદી કાઢ્યો છે એટલું જ નહીં આ માર્ગ પર જાંબુના ૨૦ ઝાડ સહિત કેટલાક ૧૦૦ વર્ષ જૂના હેરીટેજ વૃક્ષો પણ ઉખાડી નંખાશે.
કોરોનાકાળમાં પણ કેન્દ્ર સરકારે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ માટે કરોડો રૂપિયાની ફાળવણી કરી છે અને દિલ્હીમાં લૉકડાઉન છતાં આ પ્રોજેક્ટનું કામ અવિરત ચાલુ છે. સમગ્ર દેશ કોરોના મહામારીમાં સપડાયો છે અને દિલ્હીમાં ઓક્સિજન, વેન્ટિલેટર અને હોસ્પિટલના બેડ સહિત હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની ભારે અછત છે. આવા સમયમાં સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટનું કામ સતત ચાલુ રહેવાથી સોશિયલ મીડિયા પર વડાપ્રધાનની ભારે ટીકા થઈ રહી છે.
અનેક યુઝર્સનું કહેવું છે કે રૂ. ૨૦ હજાર કરોડ સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ પાછળ ખર્ચવાના બદલે કેન્દ્ર સરકાર આટલા રૂપિયામાં આખા દેશને મફતમાં રસી અપાવી શકે છે. અન્ય એક યુઝર દેશની ખાડે ગયેલી હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રકચરની સ્થિતિમાં પણ નોંધપાત્ર સુધારો લાવી શકાય છે. આદિત્ય વર્મા નામના એક યુઝરે લખ્યું હતું કે, ઈતિહાસમાં લખાશે કે લોકોના ઘર સળગી રહ્યા હતા ત્યારે વડાપ્રધાન પોતાના માટે આલિશાન ઘર બનાવી રહ્યા છે. રામકૃપાલ નામના એક યુઝરે ટ્વીટ કરતાં લખ્યું કે, વડાપ્રધાનને વિનંતી છે કે નવી સંસદ અને આલીશાન ‘મોદી મહેલ’ ઉપર રૂ. ૨૦ હજાર કરોડ બરબાદ કરવા કરતાં આ રૂપિયાથી હોસ્પિટલો અને ઓક્સિજનની વ્યવસ્થા કરે. નહીં તો દેશ તમને ક્યારેય માફ નહીં કરે. અન્ય એક યુઝરે લખ્યું હતું કે, સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ બંધ કરી દેવો જોઈએ અને આ ભંડોળ રાજ્યોને ફાળવવું જોઈએ, જેથી તેઓ કોરોના મહામારી સામે લડી શકે.કોરોનાકાળમાં આ યોજના દેશની ગરીબ જનતા માટે અત્યંત ક્રૂર અને મારક છે. લોકસેવક હવે સરમુખત્યાર બની રહ્યા છે. સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ માટેના ભંડોળમાંથી લોકોના આરોગ્યને પ્રાધાન્ય આપીને દેશભરમાં હોસ્પિટલોનું હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરી શકાય છે. સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ અંગે સોશિયલ મીડિયા પર ભારે વિરોધ છતાં કેન્દ્ર સરકાર વર્ષ ૨૦૨૩ સુધીની ડેડલાઈનમાં આ પ્રોજેક્ટ પૂરો કરવા માટે કટિબદ્ધ છે.
સોશિયલ મીડિયા પર એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દેશની ગરીબ જનતા માટે કામ કરવાના બદલે કરોડો રૂપિયાના પ્રોજેક્ટ્સ બનાવી દુનિયામાં પોતાની વાહવાહી કરાવવામાં જ વધુ રસ છે. વડાપ્રધાન મોદી પોતાને પ્રધાન સેવક અને ફકીર ગણાવે છે. પરંતુ તેમના શોખ રાજા-મહારાજાઓને પણ શરમાવે તેવા છે. વડાપ્રધાન મોદીના ડ્રીમ પ્રોજેક્ટ તેમના ‘શાહી શોખ’નું પ્રતિબિંબ પૂરું પાડે છે. પીએમ મોદીને અબજો રૂપિયાના બુલેટ ટ્રેન પ્રોજેક્ટ, કરોડો રૂપિયાના સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ, વડાપ્રધાન માટેના રૂ. ૯૦૦૦ કરોડના વૈભવી વિમાન, રૂ. ૫૦૦ કરોડના ખર્ચે એસપીજી કમાન્ડોની વિશેષ સિક્યોરિટીમાં વધુ રસ છે.
દેશભરમાં હાલ સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટનો ભારે વિરોધ થઈ રહ્યો છે. છેલ્લા કેટલાક સપ્તાહથી દેશવાસીઓ કોરોના મહામારીમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે ત્યારે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ માટે રાષ્ટ્રપતિ ભવનથી ઈન્ડિયા ગેટ સુધીના ઐતિહાસિક રાજપથની બંને બાજુ ખોદી કાઢવામાં આવી છે. જોકે, અનેક નાગરિકો અને એક્ટિવિસ્ટ ઐતિહાસિક રાજપથની આજુબાજુ ખોદકામનો વિરોધ કરી રહ્યા છે. તેમણે રાજપથ પર ચાલતા ખોદકામના ફોટા પાડીને સોશિયલ મીડિયા પર વાઈરલ પણ કર્યા છે. દિલ્હીમાં કોરોના મહામારીએ કેર વર્તાવ્યો છે તેવા સમયે ચાલી રહેલા સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટનો વિરોધ કરતાં નાગરિકો અને એક્ટિવિસ્ટ્સનું કહેવું છે કે આ પ્રોજેક્ટના કારણે રાજપથની આજુબાજુ જાંબુના ૨૦ ઝાડ સહિત કેટલાક હેરીટેજ વૃક્ષોને ઉખાડી નાંખવામાં આવશે, જે ખૂબ જ કમનસીબ બાબત છે. જોકે, કેન્દ્રીય પીડબલ્યુડી વિભાગના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, અમે જરૂરી મંજૂરીઓ પછી જ રાજપથ પર ખોદકામ શરૂ કર્યું છે. આ ઐતિહાસિક માર્ગ પરના એક પણ વૃક્ષને કાપમાં નહીં આવે. જોકે, આ વૃક્ષોને અહીંથી ઊખાડીને બીજી જગ્યાએ ખસેડવામાં આવશે.
પર્યાવરણ અને વન્ય વિભાગના વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યા મુજબ સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટના ભાગરૂપે નવા સંસદ ભવન વિસ્તારમાં કુલ ૪૦૦થી વધુ વૃક્ષોના ટ્રાન્સપ્લાન્ટની મંજૂરી આપવામાં આવી છે. જેમાં રાયસિના માર્ગ અને રેડ ક્રોસ રોડ પરના ૧૦૦ વર્ષ જૂના જાંબુ અને લીમડાના ઝાડનો સમાવેશ થાય છે. રાયસિના માર્ગ પર જાંબુના ૨૦થી ૨૨ ઝાડ છે, જે ૧૯૨૦માં લુટીયન્સ દિલ્હીની અસલ એડવિન લુટીયન્સ ડિઝાઈનના ભાગરૂપે વાવવામાં આવ્યા હોવાનું કહેવાય છે. આ વૃક્ષો હવે ૧૦૦ વર્ષ જૂના થઈ ગયા છે અને તેના ટ્રાન્સપ્લાન્ટેશનથી સંભવતઃ તે બચી શકશે નહીં. એક્ટિવિસ્ટ્સનું કહેવું છે કે રાજપથ પર રીડેવલપમેન્ટ કામની પર્યાવરણીય અસરનું મૂલ્યાંકન કરાયું નથી.
કોરોના મહામારીના સમયમાં પણ ચાલી રહેલા સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટના રીડેવલપમેન્ટના ભાગરૂપે રાજપથની બાજુમાં આઈકોનિક ચેઈનની ફેન્સ અને લેમ્પ પોસ્ટ તોડી નાંખવામાં આવ્યા છે અને તેની જગ્યા લાલ રંગના રોડ બ્લોક્સે લીધી છે. આ પ્રોજેક્ટના ભાગરૂપે કેન્દ્રીય પીડબલ્યુડી વિભાગે રાષ્ટ્રપતિ ભવન સુધી પીળા બોર્ડ ગોઠવી દીધા છે, જેના પર ‘ડેવલપમેન્ટ/ સેન્ટ્રલ વિસ્ટા એવન્યુનું પુનઃનિર્માણ’ લખાયું છે. પીડબલ્યુડી વિભાગના અધિકારીઓનું કહેવું છે કે દિલ્હીમાં લૉકડાઉનના કારણે મજૂરોની અછત છતાં તેઓ સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટની વર્ષ ૨૦૨૩ની ડેડલાઈન પૂરી કરવા કટીબદ્ધ છે.