જેરૂસલેમ ખાતે આવેલી અલ-અક્સા મસ્જિદમાં સોમવારે પેલેસ્ટાઈનીઓ અને ઈઝરાયલી સુરક્ષા દળો વચ્ચે થયેલી અથડામણે હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું છે. તે ઘટના બાદ ફરી એક વખત પેલેસ્ટાઈન અને ઈઝરાયલ વચ્ચે આર-પારનો જંગ વર્તાઈ રહ્યો છે. બંને તરફથી રોકેટનો મારો ચલાવવામાં આવી રહ્યો છે અને અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
તાજેતરના અહેવાલ પ્રમાણે હમાસના રોકેટ હુમલામાં એક ભારતીય મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. તે મહિલાનું નામ સૌમ્યા સંતોષ હતું અને તે છેલ્લા 7 વર્ષથી ઈઝરાયલમાં વસી રહ્યા હતા. ઈઝરાયલના વિદેશ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે હમાસે રહેણાંક વિસ્તારમાં આશરે 130 રોકેટનો મારો ચલાવ્યો હતો અને જેરૂસલેમમાં ભારે હિંસા ફેલાવી હતી.
આવા જ એક હુમલામાં ભારતીય મહિલા સૌમ્યા સંતોષ મૃત્યુ પામ્યા છે. ભારતમાં ઈઝરાયલના રાજદૂત ડૉ. રૉન મલકાએ ટ્વીટ કરીને આ ઘટનાની જાણકારી આપી હતી અને મૃતકના પરિવાર પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે લખ્યું હતું કે, ઈઝરાયલ તરફથી હું સૌમ્યા સંતોષના પરિવાર પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરૂ છું. તેઓ હમાસના આતંકવાદી હુમલામાં માર્યા ગયા છે. આ ક્રૂર આતંકવાદી હુમલામાં એક 9 વર્ષના બાળકે પોતાની માતા ગુમાવી તે જાણીને અમારૂ દિલ રડી રહ્યું છે. હુમલો થયો તે સમયે સૌમ્યા વીડિયો કોલ દ્વારા પોતાના પતિ સાથે વાત કરી રહ્યા હતા અને અચાનક હુમલો થતા કોલ બંધ થઈ ગયો હતો.
સૌમ્યા એક 80 વર્ષીય મહિલાની કેરટેકર તરીકે કામ કરતા હતા અને હુમલો થયો તે સમયે તેઓ વૃદ્ધ મહિલાની સાથે જ હતા. આ હુમલામાં વૃદ્ધ મહિલાનું ઘર નાશ પામ્યુ હતું અને સૌમ્યાનું મૃત્યુ થયું હતું. જો કે તે વૃદ્ધ મહિલા બચી ગયા છે અને તેમને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.