ભારત હાલ કોરોના વાયરસની બીજી લહેરનો સામનો કરી રહ્યું છે. આ બધા વચ્ચે રસીકરણનું કામ પણ ચાલુ છે. એક્સપર્ટે અંદેશો જતાવ્યો છે કે જો કોરોનાની ત્રીજી લહેર આવી તો તેમાં બાળકો પર ઘણો પ્રભાવ પડી શકે છે. આ ચિંતા વચ્ચે એક રાહતના સમાચાર આવ્યા છે. ભારતમાં જલદી બાળકો માટે રસી ઉપલબ્ધ થશે. કારણ કે તેની ટ્રાયલ માટે ભલામણ કરી દેવાઈ છે. અત્રે જણાવવાનું કે હૈદરાબાદ સ્થિતિ ભારત બાયોટેકે 2થી 18 વર્ષના બાળકો પર રસીની ટ્રાયલ માટે મંજૂરી માંગી હતી.
કોરોના રસી સંબંધિત સબ્જેક્ટ એક્સપર્ટ કમિટી (SEC) એ મંગળવારે ભારત બાયોટેકની રસીને 2થી 18 વર્ષના બાળકો પર ટ્રાયલ કરવાની ભલામણ કરી. અધિકૃત સૂત્રોએ આ જાણકારી આપી. તેમણે જણાવ્યું કે આ ક્લિનિકલ ટ્રાયલ દિલ્હી એમ્સ, પટણા એમ્સ, નાગપુરની એમ્સ હોસ્પિટલોમાં થશે. કમિટીની ભલામણો મુજબ, ભારત બાયોટેકે ફેઝ 3 ટ્રાયલ શરૂ કરતા પહેલા ફેઝ 2નો સંપૂર્ણ ડેટા ઉપલબ્ધ કરાવવો પડશે. SEC એ અગાઉ ભલામણ કરી હતી કે ભારત બાયોટેકની કોવેક્સીનની ફેઝ 2, ફેઝ 3ના ક્લિનિકલ ટ્રાયલને મંજૂરી આપવી જોઈએ જે 2 વર્ષથી 18 વર્ષના બાળકો પર કરાશે.
CDSCO ની કોવિડ-19 વિષયની એક્સપર્ટ કમિટીએ મંગળવારે ભારત બાયોટેક દ્વારા કરાયેલી અરજી પર વિચાર વિમર્શ કર્યો જેમાં તેમણે કોવેક્સીન રસીની બે વર્ષથી 18 વર્ષના બાળકોમાં સુરક્ષા અને રોગ પ્રતિકારક ક્ષમતા વધારવા સહિત અન્ય ચીજોનું આકલન કરવા માટે પરીક્ષણના બીજા/ત્રીજી તબક્કાની મંજૂરી આપવા માટે ભલામણ કરી હતી. સૂત્રના જણાવ્યાં મુજબ કંપનીની અરજી પર વિસ્તૃત વિચાર વિમર્શ કર્યા બાદ સમિતિએ પ્રસ્તાવિત બીજા/ત્રીજા તબક્કાના પરીક્ષણની મંજૂરી આપવા માટે ભલામણ કરી.
અત્રે જણાવવાનું કે ભારતમાં હાલ જે બે રસીનો ઉપયોગ થઈ રહ્યો છે તે ફક્ત 18 વર્ષથી વધુ ઉંમરવાળા લોકોને જ રસી આપવામાં આવી રહી છે. ભારતમાં સીરમ ઈન્સ્ટિટ્યૂટની કોવિશીલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સીનનો હાલ પૂરજોશમાં ઉપયોગ થઈ રહ્યો છે.
ત્રીજી લહેર અંગે એક્સપર્ટે આપી આ ચેતવણી
ભારતમાં કોરોનાની બીજી લહેરે તબાહી મચાવી દીધી છે. આ બધા વચ્ચે એક્સપર્ટ્સે ત્રીજી લહેરની પણ ચેતવણી આપી દીધી. ભારત સરકારના જ ચીફ વૈજ્ઞાનિક સલાહકારે કહ્યું હતું કે ત્રીજી લહેરનું આવવું નિશ્ચિત છે અને તેમાં બાળકો પર સૌથી વધુ અસર થઈ શકે છે.
એક્સપર્ટની સલાહ બાદ સુપ્રીમ કોર્ટે પણ કેન્દ્ર સરકારને ત્રીજી લહેર અંગે ચિંતા વ્યક્ત કરી હતી. સુપ્રીમ કોર્ટે સવાલ કર્યા હતા કે જો ત્રીજી લહેર આવે તો બાળકોનું શું થશે. તેમના પરિજનોનું શું થશે. કયા પ્રકારે સારવાર થશે, આ બાબતો પર અત્યારથી જ વિચાર કરવાની જરૂર છે.
ત્રીજી લહેરની ચેતવણી બાદ અનેક રાજ્યોએ પોતાના ત્યાં અત્યારથી જ બાળકો માટે અલગથી હોસ્પિટલ બનાવવા, સ્પેશિયલ કોવિડ કેર સેન્ટર્સ બનાવવા પર કામ શરૂ કરી દીધુ છે.