દેશમાં કોરોના મહામારીની બીજી લહેરનાં સમયગાળામાં 18 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં નવા સંક્રમિત આવતા કેસોમાં ઘટાડો નોંધાયો છે. જેના પરિણામે કેન્દ્ર સરકારે નિયમોમાં છૂટછાટ આપવાની જાહેરાત કરી દીધી છે. સરકારે મંગળવારનાં રોજ ટેસ્ટિંગ અંગે જોડાયેલી કેટલીક શરતોમાં ફેરફાર કર્યા હતા.
જેના આધારે એક રાજ્યથી બીજા રાજ્યમાં જવા માટે RT-PCR ટેસ્ટ કરાવવો આવશ્યક રહેશે નહીં. કેસ વધવાને પરિણામે ઘણા રાજ્યોએ RT-PCR ટેસ્ટ ફરજિયાત કરી દીધો હતો. જો વ્યક્તિનો રિપોર્ટ નેગેટિવ હશે તો જ એને પ્રવેશ આપવામાં આવે એવા નિયમો પણ લાદી દીધા હતા. આની સાથે જો દર્દીને 5 દિવસથી વધારે તાવ ન આવતો હોય તો તેને RT-PCR ટેસ્ટ કરવવાની જરૂર રહેતી નથી.
મહારાષ્ટ્ર અને UP સહિત 18 રાજ્યોમાં કેસ ઘટ્યા
સ્વાસ્થ્ય મંત્રાલયે દેશમાં કોરોનાની પરિસ્થિતિ અંગે પણ જાણકારી આપી હતી. જેના આધારે મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, આન્ધ્ર પ્રદેશ, દિલ્હી, રાજસ્થાન, હરિયાણા, છત્તીસગઢ, બિહાર, ગુજરાત, મધ્ય પ્રદેશ, ઉત્તરાખંડ, ઝારખંડ, તેલંગાણા, ચંડીગઢ, લદ્દાખ, દમણ અને દીવ, લક્ષદ્વીપ અને અંદામાન-નિકોબારમાં નવા સંક્રમિતો કરતા સાજા થનારના આંકમાં વધારો નોંધાયો હતો.
જોકે કર્નાટક, કેરળ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, પંજાબ, આસામ, જમ્મુ-કાશ્મીર, ગોવા, હિમાચલ પ્રદેશ, પુડ્ડુચેરી, મણિપુર, મેઘાલય, ત્રિપુરા, નાગાલેન્ડ અને અરૂણાચલ પ્રદેશમાં કેસ વધતા રહ્યા છે.
દેશમાં પોઝિટિવિટી રેટ 21%
સ્વાસ્થ્ય મંત્રાલયનાં આધારે દેશનાં 13 રાજ્યોમાં એક લાખથી વધુ એક્ટિવ કેસ છે. 6 રાજ્યોમાં 50 હજારથી એક લાખ વચ્ચે અને 17 રાજ્યોમાં 50 હજારથી ઓછા એક્ટિવ કેસ છે. દેશનો અત્યારે પોઝિટિવિટી રેટ 21% છે. 26 રાજ્યોમાં પોઝિટિવિટી રેટ 15% ટકા છે. ગોવામાં સૌથી વધુ 49.6%નો પોઝિટિવિટી રેટ છે. પુડ્ડુચેરી, પશ્ચિમ બંગાળ, હરિયાણા, કર્નાટક અને રાજસ્થાનમાં પોઝિટિવિટી રેટ 30%થી વધારે છે. 6 રાજ્યોમાં આ રેટ 5થી 15 ટકા વચ્ચે છે. માત્ર 4 રાજ્યોમાં 5%થી ઓછા લોકો કોરોના સંક્રમિત છે.
ICMRનાં DG ડૉ. બલરામ ભાર્ગવે જણાવ્યું હતું કે 30 એપ્રિલે દેશમાં 19.45 લાખ ટેસ્ટ કરાયા હતા. આ સમગ્ર દુનિયાનો સૌથી વધુ આંક છે. તેઓએ કહ્યું હતું કે સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં રેપિડ એન્ટિજન ટેસ્ટ કરવાની અનુમતિ આપાઈ છે. આ અંગે કોઈની પણ પરવાનગી લેવાની જરૂર નથી. ઘરમાં ટેસ્ટ કેવી રીતે કરાય એ અંગે કેટલાક ઉપાયોની તપાસ કરવામાં આવી રહી છે.
ગત 24 કલાકમાં 3.29 લાખ સંક્રમિત કેસ સામે આવ્યા
દેશમાં કોરોનાની બીજી લહેર વચ્ચે રાહતભર્યા સમાચાર છે. અહીં સોમવારે 3 લાખ 29 હજાર 379 નવા સંક્રમિતોની ઓળખ કરવામાં આવી હતી, પરંતુ 3.55 લાખ દર્દી સાજા થયા હતા. તે 62 દિવસ પછી થયું કે જ્યારે નવા દર્દીઓ કરતા વધુ દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. આ પહેલા 9 માર્ચ, 17,873 કોરોના પોઝિટિવ દર્દીઓની ઓળખ કરવામાં આવી હતી અને 20,643 લોકો સાજા થયા હતા.
તે પણ રાહતની વાત છે કે સોમવારે મળેલા નવા કેસની સંખ્યા છેલ્લા 15 દિવસમાં સૌથી ઓછી છે. આ પહેલા 26 એપ્રિલના રોજ 3.19 લાખ કેસ નોંધાયા હતા. છેલ્લા 24 કલાકમાં 3,877 લોકોના મોત થયા છે. આ સાથે જ એક્ટિવ કેસમાં 30,412નો ઘટાડો થયો છે. અગાઉ 9 માર્ચે એક્ટિવ કેસમાં 2909નો ઘટાડો થયો હતો.
દેશમાં કોરોના મહામારીના આંકડા
છેલ્લાં 24 કલાકમાં કુલ નવા કેસ આવ્યા: 3.29 લાખ
છેલ્લા 24 કલાકમાં કુલ મૃત્યુ: 3,877
છેલ્લાં 24 કલાકમાં કુલ સાજા થયા: 3.55 લાખ
અત્યાર સુધીમાં કુલ કેસ: 2.29 કરોડ
અત્યાર સુધી સાજા થયા: 1.90 કરોડ
અત્યાર સુધીમાં કુલ મૃત્યુ: 2.50 લાખ
હાલમાં સારવાર લઈ રહેલા દર્દીઓની કુલ સંખ્યા: 37.10 લાખ
17 રાજ્યમાં લોકડાઉન જેવા પ્રતિબંધો
દેશનાં 17 રાજ્યમાં સંપૂર્ણ લોકડાઉન જેવા પ્રતિબંધો છે. એમાં હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, ઓડિશા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, તામિલનાડુ,મિઝોરમ, ગોવા અને પુડુચેરી સામેલ છે. અહીં ગત લોકડાઉન જેવા કડક પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે.
15 રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશોમાં આંશિક લોકડાઉન
દેશનાં 15 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આંશિક લોકડાઉન છે, એટલે કે અહીં પ્રતિબંધો છે, પણ છૂટ પણ છે. આમાં જમ્મુ-કાશ્મીર, લદાખ, ઉત્તરાખંડ, અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, મેઘાલય, નાગાલેન્ડ, આસામ, મણિપુર, ત્રિપુરા, પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને ગુજરાત સામેલ છે.