ગુજરાતના 36 શહેરમાં રાત્રી કરફ્યુ વધુ એક સપ્તાહ વધારાયો, મર્યાદીત નિયંત્રણો પણ 18મી મે સુધી યથાવત રખાયા

ગુજરાતમાં આઠ મહાનગર સહીત કુલ 36 શહેરોમાં લાદવામાં આવેલ રાત્રી કરફ્યુ વધુ એક સપ્તાહ સુધી એટલે કે આગામી 18મી મે સુધી રાત્રીના 8 વાગ્યાથી બીજા દિવસે સવારના છ વાગ્યા સુધી યથાવત રાખવાનો નિર્ણય ગુજરાતના મુખ્ય પ્રધાને કર્યો છે.

ગુજરાતમાં સુનામીની માફક ફરી વળેલી કોરોનાની બીજી લહેર શહેરી વિસ્તારમાંથી ગ્રામ્ય વિસ્તારમાં પ્રસરી હતી. કોરોનાની બીજી લહેરને ખાળવા માટે, ગુજરાત સરકારે મોડે મોડે તબક્કાવાર 36 શહેરોમાં રાત્રી કરફ્યુ અને લોકડાઉન જેવા કેટલાક નિયંત્રણો લાદયા હતા. જેની મુદત આવતીકાલ 12મી મેના રોજ પૂરી થતી હતી. આ મુદત પૂરી થાય તે પૂર્વે જ ગુજરાતના મુખ્ય પ્રધાને વધુ એક સપ્તાહ રાત્રી કરફ્યુ અને લોકડાઉન જેવા નિયંત્રણો યથાવત રાખવાની જાહેરાત કરી છે.

મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં, 36 શહેરોમાં આવશ્યક સેવાઓ જેવી કે, અનાજ-કરિયાણાની દુકાન, શાકભાજી, ફળ-ફળાદિ, મેડિકલ સ્ટોર, મિલ્ક પાર્લર, બેકરી તથા ખાદ્યપદાર્થોની દુકાનો, ચશ્માની દુકાનો ચાલુ રહેશે. તો 36 શહેરોમાં તમામ ઉદ્યોગો, ઉત્પાદન એકમો, કારખાનાઓ અને બાંધકામ પ્રવૃત્તિઓ યથાવત ચાલુ રહેશે.

કોર કમિટિમાં એવી પણ ચર્ચા કરવમાં આવી હતી કે, સૌના સાથ સહકારથી, ગુજરાતમાં 27મી એપ્રિલના રોજ કોરોનાના કેસની સંખ્યા 14,500 જેટલા હતા તે ઘટીને ગઇકાલે ૧૧,૦૦૦ જેટલા થઇ ગયા છે. ગુજરાતમાં કોરોના કેસો વધ્યા નથી પરંતુ ગુજરાતના તમામ નાગરિકોને સહી સલામત રાખવાના હેતુથી, રાત્રી કરફ્યુની મુદત વધારાઈ છે.

રાજ્ય સરકારે, કોરોનાની વર્તમાન સમગ્ર પરિસ્થિતીનો તાગ મેળવીને, તમામ નાગરિક ભાઈ બહેનોને વધુ સલામતી આપવાના હેતુથી રાત્રિ કરફયુ સહિતના મર્યાદિત નિયંત્રણો, વધુ એક સપ્તાહ લંબાવવાનો નિર્ણય કર્યો છે એમ પણ મુખ્ય પ્રધાને કહ્યુ હતું.

આ 36 શહેરોમાં છે રાત્રી કરફ્યુ.
અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, ગાંધીનગર, જૂનાગઢ, આંણદ, નડીયાદ, મહેસાણા, મોરબી, પાટણ, ગોધરા, દાહોદ, ભૂજ, ગાંધીધામ, ભરુચ, સુરેન્દ્રનગર, અમરેલી, હિંમતનગર, પાલનપુર, નવસારી, વલસાડ, પોરબંદર, બોટાદ, વિરમગામ, છોટાઉદેપુર અને વેરાવળ-સોમનાથ, ડીસા, અંકલેશ્વર, વાપી, મોડાસા, રાધનપુર અને કડી તથા વિસનગરમાં રાત્રીના આઠ વાગ્યાથી બીજા દિવસે સવારના 6 વાગ્યા સુધી કરફ્યુ રહેશે. સાથોસાથ કેટલાક નિયંત્રણો પણ રહેશે.

આ સમયગાળા દરમિયાન સમગ્ર રાજ્યમાં શૈક્ષણિક સંસ્થા અને કોચિંગ સેન્ટરો (ઓનલાઇન શિક્ષણ સિવાય), સિનેમા થિયેટરો, ઓડીટોરીયમ, એસેમ્બલી હોલ, વોટર પાર્ક, જાહેર બાગ-બગીચા, મનોરંજક સ્થળો, સલૂન, સ્પા, બ્યુટી પાર્લર, જીમ, સ્વિમીંગ પુલ ઉપરાંત તમામ પ્રકારના મોલ, મલ્ટીપ્લેકક્ષ, તથા કોમર્શીયલ કોમ્પ્લેક્ષ બંધ રહેશે.

સમગ્ર રાજ્યમાં APMCમાં માત્ર શાકભાજી તથા ફળ-ફળાદીનું ખરીદ વેચાણ ચાલુ રહેશે. જે દરમિયાન COVID-19 સંબંધીત માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *