કોરોના વેક્સિનની તંગી વચ્ચે વેક્સિનેશન માટે બનાવવામાં આવેલા રાષ્ટ્રીય તકનિકી સલાહકાર સમૂહ (NTAGI)એ અનેક ભલામણો કરી છે. NTAGIના કહેવા પ્રમાણે કોવિશીલ્ડના 2 ડોઝ વચ્ચેનું અંતર વધારીને 12થી 16 સપ્તાહ કરી દેવામાં આવે અને કોરોના પોઝિટિવ થઈ ચુક્યા હોય તેવા લોકોને રિકવરીના 6 મહિના બાદ વેક્સિન લગાવવામાં આવે.
NTAGIએ એવું પણ સૂચન આપ્યું હતું કે, ગર્ભવતી મહિલાઓને કોઈ પણ કોરોના વેક્સિન લેવાનો વિકલ્પ આપવામાં આવે અને સ્તનપાન કરાવતી મહિલાઓને પ્રસુતિ બાદ કોઈ પણ સમયે વેક્સિન લગાવી શકાય છે. આ સાથે જ NTAGIએ એવું પણ કહ્યું હતું કે, સંક્રમિતોએ રિકવરીના 6 મહિના બાદ સુધી કોરોના વેક્સિનેશનથી બચવું જોઈએ.
NTAGIની ભલામણ પહેલા ડૉક્ટર્સે કોરોના સંક્રમિતોને રિકવરીના 3 મહિના બાદ વેક્સિન લગાવવાનું સૂચન આપ્યું હતું. CDC USની ગાઈડલાઈનમાં પણ કોરોનાથી રિકવર થયાના 90 દિવસ બાદ વેક્સિન લગાવવાની સલાહ અપાઈ છે જેમાં હજુ કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો.
આ સાથે જ NTAGIએ કોવિશીલ્ડના 2 ડોઝ વચ્ચે 12થી 16 સપ્તાહના અંતરની ભલામણ કરી છે. હાલ કોવિશીલ્ડના 2 ડોઝ વચ્ચેનું અંતર 4થી 8 સપ્તાહ જેટલું છે. પેનલ દ્વારા કોવેક્સિન માટે ડોઝના અંતરાલમાં કોઈ ફેરફારનું સૂચન નથી આપવામાં આવ્યું. NTAGIની ભલામણોને હવે રાષ્ટ્રીય નિષ્ણાતોના સમૂહ પાસે મોકલવામાં આવશે.
તો મૃત્યુ ઘટશે
હકીકતે નવા અભ્યાસમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, જો કોરોના વેક્સિનનો બીજો ડોઝ મોડો આપવામાં આવે તો તેનાથી કોવિડ-19 સંક્રમણના કારણે મૃત્યુ ઓછા થશે. આ વાત 65 વર્ષ કરતા ઓછી ઉંમર ધરાવતા લોકો માટે કહેવામાં આવી છે. જો કે તેમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જો પરિસ્થિતિ અનુકૂળ થાય તો જ આ કામ કરવામાં આવશે કારણ કે આ એક સંભાવના માત્ર જ છે.