દેશમાં વકરી રહેલા કોરોના સંક્રમણ વચ્ચે વડાપ્રધાન મોદી આગામી 20 મેના રોજ એક મહત્વની બેઠકમાં સામેલ થશે. જાણવા મળ્યા મુજબ આ બેઠકમાં વડાપ્રધાન કોરોનાથી વધારે પ્રભાવિત હોય તેવા જિલ્લાઓના જિલ્લાધિકારીઓ સાથે ચર્ચા કરશે. એવું પહેલી વખત બનશે કે વડાપ્રધાન રાજ્યોના જિલ્લાધિકારીઓ સાથે જ સીધી ચર્ચા કરશે.
જાણવા મળ્યા મુજબ વડાપ્રધાન મોદી 20 મેના રોજ 10 રાજ્યના 54 જિલ્લાધિકારીઓ સાથે ચર્ચા કરશે. આ એવા જિલ્લાઓ છે જ્યાં કોરોનાના સૌથી વધારે કેસ નોંધાયા છે. 20 મેના રોજ બેઠકના પહેલા તબક્કામાં ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, પુડ્ડુચેરી, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઝારખંડ, ઓડિશા, કેરળ અને હરિયાણાના જિલ્લાધિકારીઓ સામેલ થશે.
ત્યાર બાદ વડાપ્રધાન બાકી બચેલા જિલ્લાધિકારીઓ સાથે પણ ચર્ચા કરશે. આ બેઠકમાં જિલ્લાઓમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા થશે અને વેક્સિનેશનને પ્રોત્સાહિત કરવા ચર્ચા થશે.
વિપક્ષની PMને ચિઠ્ઠી
દેશમાં કોરોના મહામારીના વિકરાળ સંકટ અને લથડિયા ખાઈ રહેલી સ્વાસ્થ્ય વ્યવસ્થાઓ વચ્ચે અગાઉ લગભગ તમામ મોટી વિપક્ષી પાર્ટીઓએ વડાપ્રધાન મોદીને ઉદ્દેશીને એક ઓપન લેટર લખ્યો હતો. 12 પ્રમુખ વિપક્ષી પાર્ટીઓએ વડાપ્રધાન મોદીને ખુલ્લો પત્ર લખ્યો હતો.