ગોવામાં ઓક્સિજન ન મળતાં માત્ર ચાર જ કલાકમાં 13 દર્દીઓએ જીવ ગુમાવ્યો

દેશમાં કોરોના વાયરસની બીજી લહેરની વચ્ચે ઓક્સિજનની તંગીનું સંકટ પણ વર્તાઈ રહ્યું છે. ગોવા ખાતે આવેલી ગોવા મેડિકલ કોલેજમાં ફરી એક વખત ઓક્સિજનની તંગીના કારણે દર્દીઓના મોત થયા છે.

ગોવા મેડિકલ કોલેજ હોસ્પિટલમાં મોડી રાતે બેથી સવારના 6 વાગ્યા સુધીમાં 13 કોરોના દર્દીના મોત થયા છે. જાણવા મળ્યા મુજબ ઓક્સિજન લેવલની તંગીના કારણે આ લોકો મૃત્યુ પામ્યા છે. જ્યારે આ જ હોસ્પિટલમાં છેલ્લા ચાર દિવસમાં કોરોનાના 75 દર્દીએ ઓક્સિજનના અભાવે જીવ ગુમાવ્યો છે.

હોસ્પિટલમાં થોડા દિવસ પહેલા પણ ઓક્સિજનની તંગીના કારણે અનેક દર્દીઓએ જીવ ગુમાવ્યો હતો જે પ્રશાસનની બેદરકારી છતી કરે છે. ગોવામાં છેલ્લા અનેક દિવસથી ઓક્સિજનની તંગીના કારણે દર્દીઓ મરી રહ્યા છે.

મંગળવારે 26, બુધવારે 20, ગુરૂવારે 15 અને શુક્રવારે વધુ 13 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.  કોવિડ વોર્ડમાં થયેલા આ મૃત્યુના કારણે હોસ્પિટલની ટીકા થઈ રહી છે. જ્યારે અધિકારીઓએ લોજિસ્ટિકની મુશ્કેલીના કારણે આમ બન્યું હોવાનું કારણ રજૂ કર્યું હતું.

ગોવા સરકારે મેડિકલ કોલેજમાં ઓક્સિજન સપ્લાય મુદ્દે કમિટીની રચના કરી છે અને તેઓ હોસ્પિટલને અપાતા ઓક્સિજન સપ્લાય પર નજર રાખશે. તેમણે 3 દિવસમાં તેમનો રિપોર્ટ પણ જમા કરાવવાનો રહેશે.

ખુદ ગોવાના સ્વાસ્થ્ય મંત્રી કહી ચુક્યા હતા કે ગોવામાં હાલ ઓક્સિજનની અછત છે અને જરૂરિયાત પ્રમાણે ઓક્સિજન સિલિન્ડર નથી મળી રહ્યા. આ નિવેદન તેમણે બે દિવસ પહેલા કર્યું હોવા છતા હજુ પણ અછતનો સિલસિલો જારી છે અને સરકારો આંખ આડા કાન કરી રહી છે જ્યારે દર્દીઓ ટપોટપ મોતને ભેટી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *