અનિલ અંબાણી, તેની પત્ની અને બે પુત્રોનાં સ્વિસ બેન્ક ખાતાંની વિગતો ભારતને આપવા સ્વિટ્ઝર્લેન્ડ કોર્ટે મંજૂરી આપી

સ્વિસ ફેડરલ કોર્ટે અનિલ અંબાણી, તેની પત્ની ટીના અંબાણી અને તેમનાં બે સંતાનોનાં બેન્ક અકાઉન્ટની વિગતો ભારતની ઓથોરિટીને આપવા સહમતી દર્શાવી છે. આ અંગેનો એક અહેવાલ સ્વિસ પબ્લિકેશન ગોથામ સિટીએ પ્રસિદ્ધ કર્યો છે.

ફોરેન ટેક્સ અને રિસર્ચ ડિવિઝને અરજી કરી હતી
કોર્ટે આ અંગેનો આદેશ એપ્રિલ 29ના રોજ કર્યો હતો. સ્વિસ કોર્ટે ભારતના ફાઈનાન્સ મિનિસ્ટ્રીના ફોરેન ટેક્સ અને રિસર્ચ ડિવિઝન દ્વારા કરાયેલી આ અરજીને ગ્રાહ્ય રાખી હતી. ડિવિઝને અનિલ અંબાણીના એપ્રિલ 2011થી સપ્ટેમ્બર 2018 સુધીની બેન્ક અકાઉન્ટ્સની વિગતો ચકાસણી કરવા માટે માગી હતી. કોર્ટના આદેશમાં કહેવામાં આવ્યું હતું કે આ બાબત જેમને સ્પર્શતી હતી તેમણે મ્યુચ્યુઅલ આસિસ્ટન્ટ બંધ કરાવવા માટેની દલીલ કરતાં કહ્યું હતું કે સ્વિટ્ઝર્લેન્ડ આ માટે સત્તા ધરાવતું નથી. જોકે ભારતીય ઓથોરિટીએ કરેલી અરજીની સામે કરાયેલી અપીલને ફગાવી દેવામાં આવી હતી. આ અંગે કોર્ટના આદેશમાં અનિલ ધીરુભાઈ અંબાણી, ટીના અંબાણી સહિતનાં નામો દર્શાવવામાં આવ્યાં ન હતાં. જોકે ગોથામ સિટીના અહેવાલમાં એ વાત પ્રકાશમાં આવી હતી કે A,B,C,D તરીકે દર્શાવાયેલી વ્યક્તિઓ અનિલ અંબાણી અને તેનો પરિવાર છે.

સ્વિટ્ઝર્લેન્ડને ભારતમાંથી મળતી ટેક્સ રિકવેસ્ટોમાં વધારો નોંધાયો
આ સમગ્ર સ્ટોરીને રિપોર્ટ કરનાર પિલેટે ન્યૂઝલોન્ડરીને જણાવ્યું હતું કે આ વર્ષે સ્વિટ્ઝર્લેન્ડને ભારતમાંથી મળતી ટેક્સ રિકવેસ્ટોમાં વધારો નોંધાયો છે. મહત્ત્વની વાત છે કે આ બધી રિકવેસ્ટોને ફેડરલ સુપ્રીમ કોર્ટ દ્વારા ગ્રાહ્ય રાખવામાં આવી છે. તેમણે આ અંગે વધુમાં જણાવ્યું હતું કે આ એક મહત્ત્વની હલચલ છે. અત્યારસુધી સ્વિસ બેન્કિંગ સિક્રેસી લૉ અંતર્ગત કોઈપણ સરકાર માટે સ્વિટ્ઝર્લેન્ડની ખાનગી બેન્ક પાસેથી શંકાસ્પદ મની લોન્ડરિંગ અંગેની વિગતો લેવી એ મુશ્કેલ કામ હતું. સ્વિસ લૉમાં આ માટે ખાસ જોગવાઈ છે. આ માટે જે-તે દેશની સરકારે એડમિનિસ્ટ્રેટિવ આસિસ્ટન્સ લેવી પડે છે. પછીથી જે-તે સ્વિઝ બેન્કને આ માહિતી આપવા માટે આદેશ આપવામાં આવે છે. જોકે છેલ્લા થોડા સમયથી સ્વિટ્ઝર્લેન્ડની સરકાર પર વિદેશની સરકારોનું દબાણ વધી ગયું છે. આ સરકારો તેમના નાગરિકની કેટલીક બેન્કિંગ વિગતો ચકાસીને તેની બ્લેક મનીમાં સંડોવણી છે કે કેમ એ ચકાસે છે.

સ્વિસ બેન્કની માહિતીથી આવશે અંદાજ
જો સ્વિસ બેન્ક દ્વારા જોઈતી માહિતી આપવામાં આવશે તો એનાથી ભારતીય ઓથોરિટીને એક અંદાજ આવી શકશે કે અનિલ અંબાણી સામેના ભષ્ટ્રાચારના આક્ષેપો સાબિત થઈ શકશે કે કેમ. જોકે એ માટે ભારતની ઓથોરિટીની ટ્રાન્સપરન્સી પણ જરૂરી છે. તેણે આ વિગતોને જાહેર કરવી જોઈએ. જોકે ભૂતકાળમાં વિત્સલબોલઅર્સે એવા આક્ષેપ મોદી સરકાર સામે મૂક્યા હતા કે તેમણે સરકારને બ્લેક મનીની તપાસમાં સહકાર આપવા જણાવ્યું હતું, પરંતુ તેમની આ ઓફરને સરકારે ઠુકરાવી હતી.

ટેક્સ એડજસ્ટમેન્ટને રદ કરાવવામાં અનિલને મળી હતી સફળતા
સ્વિસ પબ્લિકેશનના રિપોર્ટ મુજબ વર્ષ 2015માં ફ્રાન્સમાં રિલાયન્સ ગ્રુપની એક કંપનીના 140 મિલિયન યુરોના ટેક્સ એડજસ્ટમેન્ટને રદ કરાવવામાં અનિલ અંબાણીને સફળતા મળી હતી. આ અંગે નિર્ણયને પગલે ઘણા સવાલો સર્જાયા હતા. આ સવાલો સર્જાવવા પાછળનું મુખ્ય કારણ એ હતું કે આ સમય દરમિયાન જ ફ્રેન્ચ ગ્રુપ ડેસોલટ ભારત સાથે રાફેલના વેચાણ અંગે નેગોશિયેશન કરી રહ્યું હતું. ગોથામ સિટીના રિપોર્ટ મુજબ આ વેચાણમાં ઉચ્ચ કક્ષાએ મોટો ભષ્ટ્રાચાર થયો હોવાની વાત છે અને તેમાં સૌથી વધુ ફાયદો અનિલ અંબાણીને થયો હોવાનું કહેવાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *