અમેરિકામાં રસીના બે ડોઝ લેનારા હવે માસ્ક અને ડિસ્ટન્સિંગથી મુક્ત

મહામારીમાંથી બહાર આવ્યા પછી અમેરિકાએ શુક્રવારે મોટો નિર્ણય લીધો. સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શને (સીડીસી) રસીના બે ડોઝ લઈ ચૂકેલા લોકોને ફરજિયા માસ્કના નિયમમાંથી મુક્તિ આપી દીધી. હવે લોકો જાહેર સ્થળોએ પણ માસ્ક પહેર્યા વિના ફરી શકશે. એટલું જ નહીં, હવે લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન પણ કરવું નહીં પડે. અમેરિકન પ્રમુખ જો બાઈડેને આ નિર્ણય અંગે ખુશી વ્યક્ત કરતા કહ્યું કે, આજનો દિવસ અમેરિકા માટે ઐતિહાસિક છે.

આ જાહેરાત પહેલા તેમણે વ્હાઈટ હાઉસમાં એક બેઠક યોજી હતી. તેમાં તેમણે નિષ્ણાતો સાથે ચર્ચા કરીને માસ્કના નિયમમાં ઢીલ આપવાનો નિર્ણય કર્યો. આ જાહેરાત પછી પ્રમુખ બાઈડેન અને ઉપ પ્રમુખ કમલા હેરિસ એક જાહેર કાર્યક્રમમાં માસ્ક વિના નજરે પડ્યાં. બાઈડેને પોતાના સંબોધનમાં કહ્યું કે, ‘આ પગલું લોકોને રસી લેવા માટે પ્રેરિત કરશે. હવે લોકોએ નક્કી કરવાનું છે કે, રસી લેવી છે કે પછી માસ્ક પહેરવું છે.’

આ નિર્ણયમાં સામેલ અધિકારીઓનું માનવું છે કે, આ નિર્ણયથી સ્કૂલ, ઓફિસ અને બીજા સ્થળો ફરી ખોલવાનો માર્ગ મોકળો થઈ જશે. બીજી તરફ, માસ્ક હટાવવા મુદ્દે સીડીસીના ડિરેક્ટર રોશલ વાલેન્સ્કીએ કહ્યું કે, આપણે બધા આ ક્ષણ માટે તરસી રહ્યાહતા. રસીના બંને ડોઝ લઈ ચૂકેલા અમેરિકનો હવે ગમે ત્યાં પ્રતિબંધો વિના હરી-ફરી શકશે. હવે આપણે ઘણે અંશે સામાન્ય સ્થિતિમાં આવી જઈશું.

એક જ ડોઝ લેનારાએ હજુ માસ્ક પહેરવું પડશે
સરકારના આ નિર્ણય પ્રમાણે, રસીનો એક જ ડોઝ લેનારા પર અમુક પ્રતિબંધ હજુ ચાલુ રહેશે. આ લોકોએ બસ, વિમાન, હોસ્પિટલો, જેલ અને ભીડભાડ ધરાવતા વિસ્તારોમાં માસ્ક ફરજિયાત પહેરવું પડશે.

અને ભારતનો હાલ…
ભારતમાં અત્યાર સુધીમાં 118 દિવસમાં બંને ડોઝ લેનારા લોકોનો અાંક માત્ર 3% એટલે કે 4 કરોડ જ છે. જો કે એક ડોઝ લેનારા લોકો 18 કરોડ છે જે દેશની વસતીના 10% જ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *