મહારાષ્ટ્ર કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ રાજીવ સાતવનું અવસાન થયું છે. પહેલા તેઓ કોરોનાથી સંક્રમિત થયા હતા અને બાદમાં તેમને ન્યૂમોનિયા થઈ ગયો હતો. છેલ્લા કેટલાક દિવસોથી પુણેની જહાંગીર હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સિંહ સુરજેવાલાએ ટ્વીટ કરીને રાજીવ સાતવના અવસાનની જાણકારી આપી હતી.
સુરજેવાલાએ ટ્વીટમાં લખ્યું હતું કે, ‘નિશબ્દ! આજે એક એવો સાથી ગુમાવ્યો જેણે સાર્વજનિક જીવનનું પહેલું પગલું યુવા કોંગ્રેસમાં મારી સાથે રાખ્યું હતું અને આજ સુધી સાથે ચાલ્યા પણ આજે…
રાજીવ સાતવની સાદગી, નિષ્કપટ સ્મિત, જમીન સાથેનો નાતો, નેૃત્વ અને પાર્ટી પ્રત્યેની નિષ્ઠા તથા મિત્રતા હંમેશા યાદ આવશે. અલવિદા મારા મિત્ર! જ્યાં રહે, ચમકતો રહે!’
રાજીવ સાતવનું 46 વર્ષની ઉંમરે અવસાન થયું છે અને તેમના અવસાનથી ગુજરાત કોંગ્રેસને મોટી ખોટ પડી છે. તેમણે તાજેતરમાં જ કોરોનાને હરાવ્યો હતો પરંતુ ત્યાર બાદ તેમનું સ્વાસ્થ્ય ખૂબ જ કથળી ગયું હતું અને છેલ્લે તેમને વેન્ટિલેટર પર રાખવા પડ્યા હતા.