PM મોદીને દુનિયામાં બદનામ કરવા કોંગ્રેસે ટૂલકિટ બનાવી: ભાજપ

ખેડૂત આંદોલન માટે દેશવિદેશમાં સમર્થન મેળવવા માટે ટૂલકિટ બનાવવાનો મામલો હજુ શાંત નથી થયો, ત્યાં એક નવી ટૂલકિટનો વિવાદ સામે આવ્યો છે. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રા અને અન્ય નેતાઓએ આરોપ મૂક્યો છે કે, કોંગ્રેસે વડાપ્રધાન મોદી અને તેમની સરકારને બદનામ કરવા એક ટૂલકિટ બનાવી છે.

પાત્રાએ સોશિયલ મીડિયામાં આ ટૂલકિટ શેર કરતા લખ્યું છે કે, ભાજપને કોંગ્રેસની એક ટૂલકિટ મળી છે. તેમાં કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી પોતાના કાર્યકરોને વડાપ્રધાન મોદીને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે બદનામ કરવાનો નિર્દેશ આપ્યો છે. કોરોનાની બીજી લહેરમાં લોકોની મદદ કરો, પરંતુ એવા જ લોકોની જે ભારતીય યુવા કોંગ્રેસની મદદ માંગે છે. આ હેતુ માટે આપણા સમર્થકો થકી હોસ્પિટલોમાં બેડ બ્લોક કરો. જરૂરી દવાઓનો સંગ્રહ કરો અને આ બધી જ મુશ્કેલીઓનો પ્રચાર-પ્રસાર કરો.

પાત્રાએ દાવો કર્યો છે કે, કોંગ્રેસની ટૂલકિટમાં લખ્યું છે કે ભારતમાં મળેલા કોરોના સ્ટ્રેનને વારંવાર ‘મોદી સ્ટ્રેન’ કહેવામાં આવે. કુંભના આયોજનને ‘કોરોનાનો સુપરસ્પ્રેડર’ કહેવામાં આવે. દિલ્હીની સેન્ટ્રલ વિસ્ટા યોજનાને ‘મોદીનું ઘર કે મહેલ’ કહેવામાં આવે. ઈદના આયોજન અંગે જોડાયેલા સવાલો પર ચૂપકિદી રાખવામાં આવે. આ બધું સામાન્ય લોકો સુધી એવી રીતે પહોંચાડો, જેથી આંતરરાષ્ટ્રીય મીડિયાના કોંગ્રેસ સમર્થકોની મદદ લો. એટલું જ નહીં, તેના માટે બીજા બિનરાજકીય લોકો, બુદ્ધિજીવીઓની પણ મદદ લો.

ભાજપ નેતાઓ વિરુદ્ધ એફઆઈઆર માટે કોંગ્રેસનો દિલ્હી કમિશનરને પત્ર
કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા રાજીવ ગૌડાએ આ મુદ્દે કહ્યું છે કે, ‘ભાજપ નકલી ટૂલકિટનો પ્રસાર કરી રહી છે. અમારો પક્ષ હવે પોલીસ ફરિયાદ કરશે.’ સૂત્રોના જણાવ્યાનુસાર, ભાજપના નેતાઓ વિરુદ્ધ ફરિયાદ કરવા પોલીસ કમિશનર એસ.એન. શ્રીવાસ્તવને કોંગ્રેસે એક પત્ર પણ લખ્યો છે. તેમાં ભાજપ અધ્યક્ષ જે.પી. નડ્ડા અને સંબિત પાત્રા વિરુદ્ધ એફઆઈઆર નોંધવાની માંગ કરાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *