નેપાળમાં ૫.૮ તીવ્રતાનો ભૂકંપ : ૬ ઘાયલ, અનેક મકાનોને નુકસાન

નેપાળના પશ્ચિમમાં આવેલા લામજંગ જિલ્લામાં ૫.૮ તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. ભૂકંપને કારણે છ લોકો ઘાયલ થયા છે તથા અનેક મકાનોને નુકસાન થયું છે તેમ અધિકારીઓએ એક નિવેદનમાં જણાવ્યું હતું.

સવારે ૫.૪૨ વાગ્યે આવેલા ભૂકંપનું કેન્દ્ર કાઠમાંડુથી ૨૦૦ કિમી દૂર પશ્ચિમમાં આવેલા લામજંગ જિલ્લાના મરશિયાન્ગડી રૃરલ  મ્યુનિસિપાલિટી વિસ્તારમાં હતું. નેપાળના મીડિયાના જણાવ્યા અનુસાર ૫.૮ તીવ્રતાના ભૂકંપને કારણે બે ડઝન મકાનોને નુકસાન થયું છે અને છ લોકો ઘાયલ થયા છે.

નેશનલ અર્થક્વેક મોનિટરિંગ એન્ડ રિસર્ચ સેન્ટરના જણાવ્યા અનુસાર સવારે આવેલા મુખ્ય ભૂકંપ પછી લામજંગ જિલ્લામાં જ બે આફ્ટરશોક્સ અનુભવાયા હતાં. સવારે ૮.૧૬ વાગ્યે આવેલા આફટરશોક્સની તીવ્રતા ૪.૦ હતી. જ્યારે સવારે ૮.૨૬ વાગ્યે આવેલા ભૂકંપની તીવ્રતા ૫.૩ હતી.

એક અહેવાલમાં જણાવ્યા અનુસાર સવારે ૧૦ વાગ્યા સુધીમાં ૨૦ નાના આફટરશોક્સ અનુભવવામાં આવ્યા હતાં. લામજંગ જિલ્લાના ઇન્સ્પેક્ટર જગદીશ રેગમીના જણાવ્યા અનુસાર ભૂકંપને કારણે અત્યાર સુધીમાં ૬ લોકો ઘાયલ થયા હોવાના સમચાર મળ્યા છે.

તેમના જણાવ્યા અનુસાર એક મકાનની દિવાલ તૂટી પડવાને કારણે ૩ લોકો ઘાયલ થયા છે જ્યારે અન્ય લોકો ત્રણ ભૂકંપથી બચવા માટે ભાગી રહ્યાં હતાં ત્યારે ઘાયલ થયા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *