અમદાવાદ : કોરોનાકાળમાં હવે ગુજરાતમાં મ્યુકરમાઇકોસીસના કેસો વધી રહ્યાં છે.વધતાં જતાં મ્યુકરમાઇસોસીસના કેસોને પગલે એેમ્ફોટેરેસીન-બી ઇન્જેકશનની માંગ વધી છે જેના કારણે કાળાબજારીયાઓ સક્રિય થયાં છે. આ જોતાં રાજ્ય સરકારે લાલ આંખ કરી છે. હવે મ્યુકરમાઇકોસિસના દર્દીઓને સરકારી હોસ્પિટલોમાંથી એમ્ફોટેરેસીન-બી ઇન્જેકશન સરળતાથી મળી રહે તેવી આરોગ્ય વિભાગે વ્યવસૃથા કરી છે.
ગુજરાતમાં કોરોનાના કેસો ઘટી રહ્યાં છે પણ મ્યુકરમાઇકોસીસના દર્દીઓની સંખ્યા વધી રહી છે જેના કારણે અમદાવાદ સહિત અન્ય મોટા શહેરોમાં સિવિલ હોસ્પિટલોમાં મ્યુકર માઇકોસીસના અલાયદા વોર્ડ શરૂ કરાયાં છે. અમદાવાદ સિવિલમાં તો હાલ 350થી વધુ દર્દીઓ સારવાર લઇ રહ્યાં છે. દર્દીઓની સંખ્યા વધતાં સિવિલમાં આઠ ઓપરેશન િથયેટર શરૂ કરાયાં છે.
હાલમાં મ્યુકરમાઇકોસીસના દર્દીઓની એવી દશા છેકે, એમ્ફોટેરેસીન-બી ઇન્જેકશન બજારમાં ય મળતાં નથી જેના કારણે લોકોને બમણા ભાવમાં ય ઇન્જેકશન ખરીદવા મજબૂર થવુ પડયુ છે.સિવિલ હોસ્પિટલોમાં ય ઇન્જેકશન પુરતાં પ્રમાણમાં નથી. આ સંજોગોમાં હવે સરકારે મ્યુકરમાઇકોસીસના દર્દીઓને સરળતા ઇન્જેકશન મળી રહે તેવી વ્યવસૃથા ગોઠવી છે. સરકારી હોસ્પિટલોમાં છ જુદી જુદી ફાર્મા કંપનીઓના ઇન્જેકશન મળી રહેશે જેની કિંમત રૂા.5323થી માંડીને રૂા.6247 સુધી નક્કી કરાઇ છે.
અમદાવાદમાં સોલા સિવિલ,એસવીપી હોસ્પિટલમાંથી દર્દીને ઇન્જેકશન મળી રહેશે. ઇન્જેકશન મેળવવા માટે દર્દીનું આધાર કાર્ડ,ડોકટરનુ ભલામણ પત્ર,મ્યુકરમાઇકોસીસ થયુ છે તે નિદાનની નકલ,કેસની વિગતના પુરાવા રજૂ કરવાના રહેશે.
આ પુરાવાની ખરાઇ કર્યા બાદ દર્દીને ઇન્જેકશન અપાશે. અમદાવાદ ઉપરાંત ગાંધીનગર,ભાવનગર,રાજકોટ,સુરત,વડોદરા અને જામનગરમાં સરકારી હોસ્પિટલમાં ઇન્જેકશનનુ વિતરણ કરવા વ્યવસૃથા કરવામાં આવી છે. રાજ્ય આરોગ્ય વિભાગે પરિપત્ર જારી કરીને મ્યુનિ.કમિશ્નર,જીલ્લા કલેક્ટરોને સમગ્ર વ્યવસૃથા કરવા જાણ કરી છે.
રાજ્ય સરકારે રૂા.3.15 કરોડના ખર્ચે 5 હજાર ઇન્જેકશનનો ઓર્ડર આપ્યો
ગુજરાતમાં મ્યુકરમાઇકોસીસનો રોગ વકર્યો છે ત્યારે રાજ્ય સરકારે દર્દીઓને સરળતા ઇન્જેકશન મળી રહે તે માટે રૂા.3.15 કરોડના ખર્ચે હજાર ઇન્જેકશનનો ઓર્ડર આપ્યો છે. રાજ્ય સરકારે ટેન્ડર પણ બહાર પાડયાં છે.
મ્યુકરમાઇકોસીસ જેવી જીવલેણ બિમારી સામે ઝીંક ઝિલવા સરળતા ઇન્જેકશન મળી રહે તે માટે સરકાર એક્શન મોડમાં આવી છે. આ ઉપરાંત એમ્ફોટેરેસીન-બી ઇન્જેકશનના કાળા બજાર કરતા તત્વો પર બાજ નજર રાખવા પણ સરકારે પોલીસ ઉપરાંત રાજ્યના ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગને સુચના આપી છે.
એમ્ફોટેરેસીન-બી ઇન્જેકશન કયાં કયાં મળશે
અમદાવાદ : એસવીપી હોસ્પિટલ,સોલા સિવિલ
ગાંધીનગર : સિવિલ હોસ્પિટલ
ભાવનગર : સર.ટી હોસ્પિટલ
રાજકોટ : પીડીયુ હોસ્પિટલ
જામનગર : જી.જી હોસ્પિટલ
સુરત : સ્મીમેર હોસ્પિટલ
વડોદરા : એસ.એસ.જી હોસ્પિટલ