નેપાળના રાજકારણમાં નવો વળાંક આવ્યો છે અને રાષ્ટ્રપતિ વિદ્યાદેવી ભંડારીએ સંસદ વિખેરીને વચગાળાની ચૂંટણીની જાહેરાત કરી છે. આગામી 12 અને 19 નવેમ્બરના રોજ ચૂંટણી યોજાશે. રાષ્ટ્રપતિ વિદ્યાદેવી ભંડારીએ શેર બહાદુર દેઉબા અને કેપી શર્મા ઓલી બંનેના સરકાર બનાવવાના દાવાને ફગાવી દીધો હતો.
હું કાયદો પણ જોઈશઃ રાષ્ટ્રપતિ
વિપક્ષી ગઠબંધનના નેતાઓ 149 સાંસદોના હસ્તાક્ષર સાથેનો કોંગ્રેસ સભાપતિ શેર બહાદુર દેઉબાને વડાપ્રધાન બનાવવાની માંગ કરતો પત્ર લઈને રાષ્ટ્રપતિ પાસે પહોંચ્યા હતા અને વિદ્યાદેવી ભંડારીએ પોતે આ વિષયમાં કાયદો પણ ધ્યાનમાં લેશે તેવો જવાબ આપ્યો હતો.
માઓવાદી કેન્દ્રના પ્રવક્તા નારાયણ કાજી શ્રેષ્ઠના કહેવા પ્રમાણે રાષ્ટ્રપતિએ જણાવ્યું કે, વડાપ્રધાન કેપી શર્મા ઓલી પણ બહુમતનો દાવો કરવા આવ્યા હતા અને આ વિષયમાં કાયદો ધ્યાને લેવામાં આવશે.
વિપક્ષી ગઠબંધનના કહેવા પ્રમાણે ઓલીએ સાંસદોના હસ્તાક્ષર પ્રસ્તુત નથી કર્યા માટે તેમના દાવાનો કોઈ અર્થ નથી. વિપક્ષી ગઠબંધને દેઉબાને વડાપ્રધાન બનાવવા માટે હસ્તાક્ષર સહિતનો પત્ર રાષ્ટ્રપતિ કાર્યાલયમાં રજિસ્ટર કરાવ્યો હતો.