Nepal ના સુરક્ષા અધિકારીઓએ રવિવારે સુપ્રીમ કોર્ટની આસપાસ સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવી દીધી છે.જેમાં સુરક્ષા અધિકારીઓએ કહ્યું કે રાષ્ટ્રપતિ દ્વારા પ્રતિનિધિ સભા વિસર્જિત કરવા વિરુદ્ધ વિપક્ષી ગઠબંધનના નેતાઓ સુપ્રીમ કોર્ટમાં અરજી કરવાની તૈયારીઓ કરી રહ્યા છે તેથી સુરક્ષા વધારવામાં આવી છે.
નવેમ્બરમાં મધ્ય સત્ર ચૂંટણીની જાહેરાત
ભીડ અને દેખાવો અટકાવવા સુરક્ષા બંદોબસ્ત
કેપી શર્મા ઓલી અને વિપક્ષી નેતા શેર બહાદુર દેઉબા સરકાર બનાવવાના દાવા સાથે રાષ્ટ્રપતિને મળ્યા હતા. એક સ્થાનિક અખબારના અહેવાલ મુજબ વિપક્ષી ગઠબંધનના નેતાઓ કોર્ટમાં પહોંચવાની તૈયારી કરી રહ્યા હોવાથી સુરક્ષા દળોએ સુપ્રીમ કોર્ટ સિંહાદેબર વિસ્તારમાં સર્વેલન્સ વધાર્યું છે. નેપાળ પોલીસે કહ્યું કે આ વિસ્તારમાં ભીડ અને દેખાવો અટકાવવા સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
પોલીસે રાજકીય જૂથોના લોકોની ધરપકડ કરી
તેમણે કહ્યું કે પોલીસે કેટલાક રાજકીય જૂથોના લોકોની ધરપકડ કરી છે જેઓ સરકારના આ પગલાના વિરોધમાં રસ્તા પર ઉતર્યા હતા. સમાચાર અનુસાર નેપાળી કોંગ્રેસ, માઓવાદી કેન્દ્ર, ઉપેન્દ્ર યાદવની આગેવાની વાળી જનતા સમાજવાદી પાર્ટી-નેપાળ અને રાષ્ટ્રીય જન મોરચાના નેતાઓ રીટ અરજી દાખલ કરવા માટે સાંસદોની સહીઓ એકત્રિત કરી રહ્યા છે.
જ્યારે બીજી તરફ Nepal માં સત્તાધારી સીપીએન-યુએમએલના માધવ નેપાલ, જાલાનાથ ખનાલ જૂથના નેતાઓ પણ આ અરજી પર સહી કરે તેવી સંભાવના છે. વિપક્ષી દળો આગળની વ્યૂહરચના અંગે ચર્ચા કરવા શનિવારે મળ્યા હતા. તેમજ સરકારના કથિત ગેરબંધારણીય આદેશ પાછો ખેંચી શકાય તે માટે એક થઇને રાજકીય અને કાનૂની રીતે વિરોધ કરવાનો નિર્ણય કર્યો હતો.
12 અને 19 નવેમ્બરના રોજ મધ્ય-સત્રની ચૂંટણીઓ યોજવાની જાહેરાત
ઉલ્લેખનીય છે કે, નેપાળના રાષ્ટ્રપતિ વિદ્યા દેવી ભંડારીએ શુક્રવારે મધ્યરાત્રિએ સંસદ ભંગ કરી અને 12 અને 19 નવેમ્બરના રોજ મધ્ય-સત્રની ચૂંટણીઓ યોજવાની જાહેરાત કરી હતી. આ અગાઉ તેમણે સ્વીકાર્યું હતું કે બંને વડા પ્રધાન કેપી શર્મા ઓલી અને વિપક્ષી ગઠબંધન સરકાર બનાવવાની સ્થિતિમાં નથી.
ભંડારીની આ જાહેરાત પહેલાં વડા પ્રધાન ઓલીએ તાત્કાલિક કેબિનેટની બેઠક પછી 275 સભ્યોના ગૃહ વિસર્જનની ભલામણ કરી હતી. જેમાં મધ્ય રાત્રિએ રાષ્ટ્રપતિ કાર્યાલય તરફથી પ્રેસને અપાયેલા નિવેદનમાં જણાવાયું હતું કે સંસદ વિસર્જન કરવામાં આવી હતી અને નેપાળના બંધારણની કલમ (76 (7) ના મુજબ મધ્ય સત્ર ચૂંટણી માટેની તારીખો જાહેર કરવામાં આવી હતી.