Moderna Vaccine એ કર્યો દાવો : 12થી 17 વર્ષના બાળકો પર 100% કારગર છે

ભારત કોરોના વાયરસ (Coronavirus) ની બીજી લહેર સામે ઝઝૂમી રહ્યું છે અને આ બધા વચ્ચે સતત ત્રીજી લહેરની ચેતવણી અપાઈ રહી છે. જેની સૌથી વધુ અસર બાળકો પર થઈ શકે છે. જો કે બાળકો માટે કોરોના રસી (Corona Vaccine) ને લઈને સારા સમાચાર આવ્યા છે. મોડર્ના (Moderna) એ દાવો કર્યો છે કે તેની રસી 12થી 17 વર્ષના બાળકો પર પ્રભાવી છે.

12 થી 17 વર્ષના બાળકો પર 100  ટકા પ્રભાવી
મોડર્ના (Moderna)એ પોતાની રસીના બાળકો પર થયેલા બીજા અને ત્રીજા તબક્કાની ટ્રાયલના પરિણામ જાહેર કર્યા છે. USA ટુડેના રિપોર્ટ મુજબ કંપનીએ દાવો કર્યો છે કે મોડર્ના રસીનો પહેલો ડોઝ 12થી 17 વર્ષના બાળકોમાં કોવિડ-19 વિરુદ્ધ 93 ટકા પ્રભાવી છે અને બીજો ડોઝ લીધાના બે સપ્તાહ બાદ 100 ટકા પ્રભાવી તથા સુરક્ષિત જોવા મળી છે.

3732 બાળકો પર કરાઈ મોડર્ના રસીની ટ્રાયલ
મોડર્ના (Moderna) એ ટ્રાયલમાં 12થી 17 વર્ષના 3732 બાળકોને સામેલ કર્યા હતા. જેમાંથી 2488 બાળકોને બંને ડોઝ આપવામાં આવ્યા હતા. કંપનીનું કહેવું છે કે રસીના બંને ડોઝ લેનારા બાળકોમાં કોરોનાના લક્ષણો જોવા મળ્યા નથી. પરિણામ આવ્યા બાદ મોડર્નાએ કહ્યું કે તે પોતાની રસી બાળકોને આપી શકાય તેની મંજૂરી માટે અમેરિકાની રેગ્યુલેટર બોડી FDA પાસે જૂનમાં અરજી કરશે.

ફાઈઝર -બાયોએનટેકની રસીને પહેલેથી મળી ચૂકી છે મંજૂરી
અમેરિકામાં આ મહિને 12થી 15 વર્ષના બાળકો માટે ફાઈઝર-બાયોએનટેકની રસીને મંજૂરી આપી દેવાઈ છે. હવે જો મોડર્નાને પણ મંજૂરી મળી જશે તો તે અમેરિકામાં બાળકો માટે બીજી કોરોના રસી હશે. અત્રે જણાવવાનું કે શરૂઆતમાં ફાઈઝરની રસીને 16થી વધુ ઉંમરના લોકો પર ઉપયોગ માટે મંજૂરી મળી હતી. જ્યારે મોડર્નાની રસીને 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને આપવાની મંજૂરી મળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *