હવે ગુજરાતના મહાનગરોમાં 50થી 100 માળની ઇમારતો બનાવવાનું શરૂ થશે

અમદાવાદ : મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીએ આઇકોનિક બિલ્ડીંગ સ્ટ્રકચર નિર્માણ અંગેના જાહેરનામાને આખરી-ફાયનલ મંજૂરી આપી તે સાથે જ ગુજરાતમાં આભને આંબતા આઇકોનિક બિલ્ડીંગ સ્ટ્રકચરના નિર્માણનો માર્ગ વધુ સરળ બનાવવામાં આવ્યો છે.

અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને ગાંધીનગર એમ પાંચ મહાનગરોની આગવી ઓળખ ઊભી થઇ શકે તેવી સ્કાય રાઇઝડ આઇકોનીક ઇમારતોના બાંધકામ માટેના રેગ્યુલેશનમાં ફેરફાર કરતા પ્રાથમિક જાહેરનામા અન્વયે આવેલા વાંધા સુચનોને ધ્યાને લીધા બાદ આ જાહેરનામાને આખરી મંજુરી આપવામાં આવી છે.

અઢાર ઓગસ્ટ 2020 ના દિવસે રાજ્યના પાંચ મહાનગરોમાં હવે સિંગાપોર-દુબઇની જેમ સ્કાય સ્ક્રેપર્સ, ગગનચૂંબી ઇમારતો-આઇકોનિક સ્ટ્રકચર્સના બાંધકામને પરવાનગી આપવા માટેની જાહેરાત કરવા સાથે પ્રાથમિક જાહેરનામું-પ્રાયમરી નોટિફીકેશન મંજૂર કર્યુ હતું અને આ સંદર્ભમાં વિભાગ દ્વારા વાંધા-સૂચનો મંગાવવામાં આવેલા હતા.

પ્રાથમિક જાહેરનામા સંદર્ભે આવેલા વાંધા સૂચનો ધ્યાને લીધા બાદ હવે, ગગનચૂંબી ઇમારતો હાઇરાઇઝડ બિલ્ડીંગ સ્ટ્રકચરના નિર્માણ અંગેના જાહેરનામાને આખરી-ફાયનલ મંજૂરી આપી છે. સરકાર તરફથી મંજૂરી મળતા રાજ્યના પાંચ મહાનગરોમાં આભને આંબતા હાઇરાઇઝડ બિલ્ડીંગ્સ સ્ટ્રકચરના નિર્માણનો નવો યુગ શરૂ થશે.

ઊંચી ઇમારતો માટેના રેગ્યુલેશન્સનું આખરી જાહેરનામું પ્રસિધ્ધ થવાની સાથે જ અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને ગાંધીનગર કોર્પોરેશન અને સત્તા મંડળો દ્વારા ગગનચુંબી ઈમારતોને મંજૂરી આપી શકાશે. દેશ અને દુનિયાના અન્ય શહેરો સાથે ગુજરાતના શહેરો પણ પોતાની આગવી ઓળખ ધરાવતા હાઇરાઇઝડ આઇકોનીક સ્ટ્રકચર બાંધી શકશે.

ખોખરા-મહેમદાવાદ, સરગાસણ અને વાવોલની ટી.પી. સ્કીમને મંજૂરી 

ગુજરાતના શહેરોના સુયોજિન શહેરી વિકાસને આગળ ધપાવવા ત્રણ ફાયનલ ટી.પી સ્કીમ અને બે ડ્રાફ્ટ ટી.પી.સ્કીમને મુખ્યમંત્રીએ મંજૂરીની મહોર મારી છે. આજે મંજૂર કરવામાં આવેલી ટી.પી. સ્કીમમાં અમદાવાદની ફાઈનલ ટી.પી.સ્કીમ નં 51 (પૂર્વ ખોખરા-મહેમદાબાદ), મેમનગર નં-1 (સેકન્ડ વેરીડ) તથા ગાંધીનગરની ફાઈનલ ટી.પી.સ્કીમ નં. 9/બી (વાસણા-હડમતીયા-સરગાસણ-વાવોલ)નો સમાવેશ થાય છે.બે ડ્રાફ્ટ ટી.પી.સ્કીમમાં ભાવનગર શહેરની ટી.પી.સ્કીમ નંબર 30 (ચિત્રા) તથા શામળાજી મંદિર પરિસર તથા આસપાસના વિકાસ માટે જરૂરી ફેરફારો સાથેની ટી.પી.સ્કીમને મંજૂરી આપવામાં આવી છે.

નવ નગરપાલિકાઓમાં આધુનિક સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અપાશે

ગુજરાત સરકારે નવ નગરપાલિકાઓમાં અદ્યતન ટેક્નોલોજી ધરાવતા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તૈયાર કરવાના નિર્ણયને આજે ગુજરાત સરકારે  સૈદ્ધાંતિક મંજૂરી આપી દેવાનો નિર્ણય લીધો છે. તેમાં સાવરકુંડલા-ગઢડા-કઠલાલ-મહુધા-બાયડ-પાટડી-સોજીત્રા-સિધ્ધપુર અને વલ્લભવિદ્યાનગર નગરપાલિકાઓનો તેમાં સમાવેશ થાય છે.

ગુજરાતની તમામ 156 નગરપાલિકાઓમાં ગંદા પાણીના શુધ્ધિકરણ માટે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કાર્યરત થવાનો લક્ષ્યાંક ટૂંક સમયમાં પૂર્ણ કરવાની જાહેરાત પણ મુખ્યમંત્રીએ કરી છે. નગરપાલિકાઓની લાંબાગાળાની માંગણીનો સંવેદનાસ્પર્શી પ્રતિસાદ આ સૈદ્ધાંતિક મંજૂરીથી આપ્યો છે.

એકવાર વપરાયેલા ગંદા પાણી રિયુઝ ઓફ ટ્રીટેડ વોટરનો પણ ખેતીવાડી, બાગ-બગીચા, તળાવો ભરવા જેવા કામોમાં પુન: વપરાશ થાય તે દિશામાં પ્રયત્નશીલ છે.તમામ શહેરોમાં પીવાના પાણી તથા ભુગર્ભ ગટરની સુવિધા પૂરી પાડવા માટેના કામો હાથ ધરવામાં આવ્યા છે. ભુગર્ભ ગટર યોજનાના કુલ 183 કામો 156 નગરપાલિકાઓ માટે મંજૂર કરવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *