માસ પ્રમોશનનો મામલો ગૂંચવાયો, ધોરણ-10 ની માર્કશીટ વગર સ્કૂલોએ ધોરણ-11 માં એડમિશન આપવાનું શરૂ કર્યું

રાજ્ય સરકાર દ્વારા ધોરણ 10 અને કોલેજ-યુનિવર્સિટીમાં માસ પ્રમોશન નો નિર્ણય કર્યો છે. જોકે બંને નિર્ણય સામે વિરોધભાસ ઉભો થયો છે. ધોરણ 10 ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યા બાદ ધોરણ 11માં પ્રવેશનો મામલો ગૂંચવાયો છે. ધોરણ 10ની માર્કશીટ અને સરકારની ગાઈડલાઈન વગર જ ધોરણ 11 માં પ્રવેશ આપવો અયોગ્ય છે.

વાલીઓને પણ સારી સ્કૂલ મળશે કે કેમ તેનો ડર
આ વિશે ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલે જણાવ્યું ક, ધોરણ 10ની માર્કશીટ અને સરકારની ગાઈડલાઈન વિના બાળકોને ધોરણ 11માં પ્રવેશ આપવો આયોગ્ય છે. હજી સરકારે નક્કી નથી કર્યું કે ધોરણ 11માં કયા આધારે પ્રવેશ આપવો. તેમ છતાં રાજ્યમાં અનેક સ્કૂલોએ અત્યારે ધોરણ 11 માં પ્રવેશ આપવાનું શરૂ કરી દીધું છે. હાલ એવી ઉતાવળ કરવી યોગ્ય નથી. સરકારે પણ ધોરણ 11માં પ્રવેશ અને માર્કશીટ બાબતે જલ્દી સ્પષ્ટતા કરવી જોઈએ. આ વર્ષે બધા વિદ્યાર્થીઓ પાસ થયા હોવાથી વાલીઓને પણ સારી સ્કૂલ મળશે કે કેમ તેનો ડર છે. તેથી સરકારે વર્ગવધારો આપવાનો નિર્ણય ઝડપથી લઈને વાલીઓને ઉકેલ આપવો જોઈએ.

આટલી મોટી સંખ્યાના વિદ્યાર્થીઓને ધોરણ 11 માં કેવી રીતે સમાવાશે
તો બીજી તરફ, ધોરણ 10 ના માસ પ્રમોશનના નિર્ણયના કારણે સરકાર પોતે દ્વિધામાં મૂકાઇ ગઇ છે કે આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓનો ધો.11માં સમાવેશ કેવી રીતે કરવો. 11 માં વિદ્યાર્થીઓની સંખ્યા વધતાં દરેક જિલ્લામાં નવા વર્ગો શરૂ કરવા પડશે. જેથી સરકાર સ્કૂલોમાં વર્ગો વધરાવા માટેની કવાયત હાથ ધરી છે.

કેવી રીતે બનશે ધોરણ-10નું પરિણામ
શિક્ષણ વિભાગે 11 સભ્યોની કમિટી બનાવી છે. ધો. 9 અને 10ના અલગ અલગ વિષયની એકમ કસોટીના પર્ફોર્મન્સના આધારે 80 માર્કસમાંથી તેમજ પ્રથમ ટેસ્ટ, નોટબુક, સ્વાધ્યાયપોથીના આધારે ઇન્ટરન્લના 20 માર્કસમાંથી ગુણ આપવામાં આવશે. માસ પ્રમોશન મેળવેલ વિદ્યાર્થીઓની માર્કશીટમાં તેઓના પર્ફોર્મન્સના આધારે ગુણ આપવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *