નવી દિલ્હી : એલોપેથીક ડોક્ટરો અને એલોપેથી અંગે વિવાદિત નિવેદનો આપનારા બાબા રામદેવ સામે માનહાનીના કેસની તૈયારી ચાલી રહી છે. સાથે જ એક હજાર કરોડની માનહાનીની લીગલ નોટિસ પણ મોકલવામાં આવી છે. એવામાં હવે રામદેવે કહ્યું છે કે કોઇના બાપની તાકાત નથી કે તે મારી ધરપકડ કરી શકે.
અગાઉથી જ રામદેવને લઇને વિવાદ ચાલી રહ્યો છે ત્યારે હવે તેમનો વધુ એક વીડિયો વાઇરલ થયો છે તેમાં તેઓ કહી રહ્યા છે કે કોઇના બાપમાં તાકાત નથી કે તે બાબા રામદેવની ધરપકડ કરી શકે. સાથે તેમણે એવો પણ દાવો કર્યો હતો કે મને બદનામ કરવા માટે સોશિયલ મીડિયા પર અનેક પ્રકારના ટ્રેન્ડ ચાલી રહ્યા છે. જોકે મને તેનાથી કોઇ જ ફરક નથી પડતો.
આ પહેલા બાબા રામદેવની સામે ઇન્ડિયન મેડિકલ અસોસિએશન દ્વારા માનહાનીની લિગલ નોટિસ મોકલવામાં આવી હતી. જેમાં રામદેવ પાસેથી 15 દિવસમાં માફી માગવાની માગણી કરવામાં આવી હતી, સાથે જ પીએમ મોદીને પણ પત્ર લખીને કહ્યું હતું કે રામદેવ કોરોના વાઇરસ સામેની રસી અંગે ભ્રમ ફેલાવી રહ્યા છે જેને અટકાવવી જોઇએ.
આ સિૃથતિ વચ્ચે રામદેવે કહ્યું છે કે કોઇના બાપમાં તાકાત નથી કે તેઓ મારી ધરપકડ કરાવી શકે. દરમિયાન બાબા રામદેવની કંપની પતંજલિના કર્તાહર્તા બાલકૃષ્ણએ જણાવ્યું હતું કે, અમને ઇન્ડિયન મેડિકલ એસોસીએશનની લીગલ નોટિસ મળી છે. અમે તેનો યોગ્ય જવાબ આપીશું. અમે દેશની આત્મરક્ષા અને ગૌરવને ધ્યાનમાં રાખીને આઈએમએને જવાબ આપીશું.