ભાજપમાં ભારે ખેંચતાણ બાદ અંતે મ્યુનિ. કમિટીઓની રચના

અમદાવાદ મ્યુનિ. બોર્ડની આજે મેયરના અધ્યક્ષસ્થાને ઓનલાઇન મળેલી બેઠકમાં આખરે સવા ત્રણ મહિના બાદ વિવિધ કમિટીઓની રચના થઈ શકી છે. ચેરમેનો, ડેપ્યુટી ચેરમેનો અને સભ્યોની પસંદગીમાં પૂર્વધારણા અનુસાર સુરેન્દ્ર કાકા તરફી મનાતા કોર્પોરેટરોની બાદબાકી થઈ છે. નામો નક્કી કરવા મોડી રાત સુધી મિટિંગ ચાલી હોવાનું જાણવા મળે છે.

આ અંગેની વિગત એવી છે કે, સામાન્ય રીતે ચૂંટણી પતે તેના એક સપ્તાહમાં જ કમિટીઓની રચના થઈ જતી હોય છે. પણ આ વખતે સત્તાધારી ભાજપમાં ચાલી રહેલી જૂથબંધી, તીવ્ર ખેંચતાણ અને સત્તાના બદલાયેલા કેન્દ્રોના કારણે કમિટીઓની રચના વિલંબમાં પડી હતી અને આજે કમિટીઓની રચનાની સાથે વી.એસ. બોર્ડના સભ્યોની નિમણુંક પણ થઈ છે, જેમાં પ્રીતેશ મહેતા, દિલીપ બગડીયા, પંકજ ભટ્ટ, હિમાંશુ વાળાની પસંદગી થઈ છે. હોદ્દાની રૂએ મેયર કિરીટ પરમાર તેના અધ્યક્ષ હોય છે.

કમિટીઓના નામો જાહેર થયા બાદ કોર્પોરેટરોમાં ગણગણાટ ચાલુ થયો છે કેટલાક સિનિયરો કપાયા છે અને પહેલી વખત ચૂંટાયેલાને હોદ્દા મળ્યા છે. એ.એમ.ટી.એસ.માં અમુલ ભટ્ટનું નામ ચાલતું હતું પણ તેમની સામે 60 વર્ષની મર્યાદાનો નિયમ ધરવામાં આવ્યો હતો. આ પદ માટે રમેશ દેસાઈનું નામ પણ ચાલતું હતું.

જ્ઞાાતિની દ્રષ્ટિએ જોઈએ તો 12 ચેરમેનોમાં 7 પટેલ છે. ઉપરાંત મહિલા ચેરમેન માત્ર 1 જ છે. જો કે જુના અને નવા કોર્પોરેટરોનું સંયોજન કરવાનો પ્રયત્ન થયાનું પક્ષના મોવડીઓ જણાવી રહ્યા છે. વચ્ચે એક ટર્મના ગેપ પછી ચૂંટાયેલા મહાદેવ દેસાઈને રોડઝ એન્ડ બિલ્ડીંગ જેવી મહત્ત્વની કમિટી મળી છે.

જતીન પટેલ અગાઉના વર્ષોમાં પણ વોટર અને ડ્રેનેજ કમિટીના ચેરમેન હતા તે જકમિટી ફરી મળી છે. સ્ટેન્ડિંગ કમિટીના દાવેદાર હતા તે ગૌતમ પટેલને એકે ય કમિટીના ચેરમેન નથી બનાવાયા. અત્રે ઉલ્લેખનીય છે કે, કરોડો રૂપિયાના ટેન્ડરો આવતા હોય તેવી મલાઈદાર કમિટીઓનું આકર્ષણ કોર્પોરેટરોમાં સૌથી વધુ હોય છે. ટાઉન પ્લાનિંગ કમિટીને પણ મહત્ત્વની ગણવામાં આવે છે.

કઈ કમિટીમાં કોણ ચેરમેન બન્યું ?

એએમટીએસ

:

વલ્લભભાઈ પટેલ

વોટર એન્ડ ડ્રેનેજ

:

જતીન પટેલ

રોડ્ઝ એન્ડ બિલ્ડીંગ

:

મહાદેવ દેસાઈ

હેલ્થ એન્ડ સોલીડ વેસ્ટ

:

ભરતભાઈ પટેલ

હોસ્પિટલ

:

પરેશ પટેલ

રિક્રીએશન એન્ડ કલ્ચરલ

:

રાજુભાઈ દવે

ટાઉન પ્લાનિંગ

:

દેવાંગ દાણી

હાઉસીંગ ઇમ્પ્રૂવમેન્ટ

:

અશ્વિન પેથાણી

રેવન્યુ

:

જૈનિક વકીલ

લીગલ

:

કૌશીકભાઈ પટેલ

મટીરીયલ મેનેજમેન્ટ

:

આશીષભાઈ પટેલ

મહિલા અને બાળ વિકાસ

:

પ્રતિભાબેન જૈન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *