સરકારના એક નિર્ણયથી ટુર એન્ડ ટ્રાવેલ્સનો પડી ભાંગેલો ધંધો ફરી બેઠો થશે

કોરોના મહામારીમાં સરકાર દ્વારા લાદવામાં આવેલ લોકડાઉન અને ત્યારબાદના પ્રતિબંધોના કારણે અનેક ઉદ્યોગ, વેપાર, ધંધા, પડી ભાંગ્યા છે. અનેક ઉદ્યોગો આર્થિક ભીંસમાં આવી ગયા છે. જેની સૌથી મોટી અસર ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ ઉદ્યોગને પડી હતી. ત્યારે સરકારે ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ ઉદ્યોગને બેઠો કરવા ત્રણ મહિના સુધી તમામ ખાનગી બસોના ટેક્સ માફ કર્યા છે.

ખાનગી ટ્રાવેલ્સો બંધ રહી હતી. પરંતુ વિવિધ પ્રકારના ટેક્સની ચુકવણી યથાવત રહી હતી. આ કારણે ટુર્સ ઉદ્યોગ સાથે સંકળાયેલા અનેક દિગ્ગદ મહારથીઓની પણ હાલત કફોડી બની ગઈ હતી. રસ્તાઓ ઉપર ખાનગી બસો દોડાવવી કે કેમ તેની સામે પણ પ્રશ્ર્નો સર્જાયા હતા. તો આ ઉદ્યોગ સાથે સંકળાયેલા અનેક ટ્રાવેલ્સના સંચાલકોએ પોતાની બસો નોનયુઝ કરી દીધી હતી.

કોરોનાની બીજી લહેરમાં લગાવવામાં આવેલા પ્રતિબંધોની અસર સૌરાષ્ટ્રના ટ્રાવેલ્સ સંચાલકો દેખાઇ. સૌરાષ્ટ્રમાંથી ઓપરેટ થતી આસરે 500 થી 600 બસોમાથી 90 થી 95 ટકા બસોને જુદા-જુદા ટ્રાવેલ્સ સંચાલકોએ નોનયુઝ કરી નાંખી હતી. વર્તમાન સ્થિતિમાં માત્ર 5 થી 6 ટકા જ બસો ઓપરેટ કરવામાં આવતી હતી. રાજકોટ ડેઈલી સર્વિસ બસ એસો.ના પ્રમુખ દશરથસિંહ વાળાએ સરકાર પાસે ત્રણ માંગ કરી હતી. જેમાં સરકાર બે વર્ષ માટે ખાનગી બસોને રાજ્યના ટોલ ટેક્સમાંથી મુક્તિ આપે. તેમજ નોનયુઝ બસ માટે રૂ. 100 નું ટોકન લેવામાં આવે આ અંગે ગઈકાલે સી.એમ રૂપાણી સાથે બેઠક યોજી હતી. જેમાં ટ્રાવેલ્સ સંચાલકોએ ટોલ ટેક્સ, આરટીઓ ટેક્સ, કોર્પોરેશન ટેક્સ, સહિતનાને માફ કરવા સહિતની માંગો કહી હતી. જે પૈકી નોનયુઝ અને રસ્તા ઉપર દોડતી તમામ ખાનગી બસોને આગામી ત્રણ મહિના માટે ટેક્સની માફી આપી હતી. સરકારે ટ્રાવેલ્સ સંચાલકોની ત્રણ માંગે પૈકી એક માંગ સ્વીકારતા ટ્રાવેલ્સ સંચાલકોને આંશિક રાહત મળી છે. આગામી દિવસોમાં સરકાર અન્ય બે માંગો પણ સ્વીકારે તેવી આશાવાદ વ્યક્ત કર્યો છે.

રાત્રિ કર્ફ્યુમાં ખાનગી બસોને શહેરમાં પ્રવેશ આપવાની માંગ અકબંધ

રાજકોટ ડેઈલી સર્વિસ બસ એસો.ના પ્રમુખ દશરથસિંહ વાળાએ આ મુદ્દે જણાવ્યું હતુ કે, રાજ્ય સરકાર દ્વારા રાત્રિ કર્ફ્યુનો સમય ઘટાડ્યો તે સારી વાત છે. જેનાથી હવે રાત્રિના 9 વાગ્યા સુધી ખાનગી બસો શહેરમાં પ્રવેશી શકશે. પરંતુ મોડી સાંજના જે બસોને ઓપરેટ કરવામાં આવે છે, તે બસને રાત્રિના 9 વાગ્યા બાદ પ્રવેશ આપવામાં આવે તો મુસાફરોને યોગ્ય સગવડતા મળી શકે અને ટુર્સ ઉદ્યોગોને બેઠો કરી શકાય.

એડવાન્સ ટેક્સ આવતા મહિને પરત મળશે

જે ટ્રાવેલ્સના સંચાલકોએ પોતાના ટ્રાવેલ્સનો એડવાન્સ ટેક્ષ ભર્યો હોય તેઓને તેમની રકમ આગામી મહિને તેમના ખાતામાં જમા મળી જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *