ડોમિનિકાની જેલમાંથી મેહુલ ચોક્સીની પહેલી તસવીર કરાઈ જાહેર, હાથ પર છે ઈજાઓના નિશાન

ડોમિનિકાની જેલમાં બંધ પીએનબી કૌભાંડના આરોપી અને હીરાના ભાગેડુ કારોબારી મેહુલ ચોક્સીની પહેલી તસવીર સામે આવી છે. ચોક્સીના વકીલોએ દાવો કર્યો હતો કે તેમના સાથે કથિત રીતે મારપીટ કરવામાં આવી છે. મેહુલ ચોક્સીની જે તસવીર સામે આવી છે તેમાં તેમના હાથ પર કથિત ઈજાના નિશાન દેખાઈ રહ્યા છે.

તસવીરમાં મેહુલ ચોક્સી લોખંડના બારણા પાછળ ઉભેલો જોવા મળે છે જે લોકઅપ રૂમના દરવાજા જેવો દેખાય છે. અન્ય એક તસવીરમાં તેમના હાથ પર ઈજાના નિશાન દેખાઈ રહ્યા છે. ઈજાના નિશાન કાળા રંગના છે અને હાથ-કાંડાની પાસે છે.

મેહુલ ચોક્સીના વકીલે કરેલા દાવા પ્રમાણે મેહુલ ચોક્સીનું એન્ટીગુઆ ખાતેથી બળજબરીપૂર્વક અપહરણ કરવામાં આવ્યું હતું. તેમને માર મારવામાં આવ્યો હતો અને ડોમિનિકા લઈ જવામાં આવ્યા હતા. ભારતમાં મેહુલ ચોક્સીના વકીલ વિજય અગ્રવાલે કથિત રીતે તેમના પર ‘ટોર્ચર’ કરાયું હોવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે જણાવ્યું કે, ‘જ્યાં સુધી તેઓ ડોમિનિકા કઈ રીતે પહોંચ્યા તે ખબર ન પડે ત્યાં સુધી કોઈ ધારણા ન બાંધવી જોઈએ. પરંતુ મારી સમજણ પ્રમાણે તેઓ પોતાની મરજીથી ડોમિનિકા નથી પહોંચ્યા. માટે મને તેમાં ગરબડ લાગી રહી છે. કોઈ એ વાતને નથી જોઈ રહ્યું કે તેઓ આખરે ડોમિનિકા કઈ રીતે પહોંચ્યા?’

આ સમગ્ર કેસમાં મેહુલ ચોક્સીના વકીલ વિજય અગ્રવાલનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે, ‘મારા ક્લાયન્ટ એક માણસ છે, કોઈ મહોરૂ નથી કે તેમને કોઈ પણ પોતાની મરજી પ્રમાણે શતરંજની રમત જેમ ફેરવે રાખે. મારૂ સ્ટેન્ડ સાચું સાબિત થયું છે. હું એન્ટીગુઆની યુનાઈટેડ પ્રોગ્રેસિવ પાર્ટીના નિવેદનની પ્રશંસા કરૂ છું કે એન્ટીગુઆએ પોતાના તમામ નાગરિકોના અધિકારોની રક્ષા કરવી જોઈએ. મારા ક્લાયન્ટ મેહુલ ચોક્સી એન્ટીગુઆના નાગરિક છે અને એન્ટીગુઆના બંધારણ અંતર્ગત તમામ કાયદાકીય સંરક્ષણના હકદાર પણ છે.’

દિલ્હીથી ડોમિનિકા મોકલવામાં આવ્યું વિમાન

આ બધા વચ્ચે ડોમિનિકાના ડગલસ ચાર્લ્સ એરપોર્ટ ખાતે સ્થાનિક એરપોર્ટ પર દિલ્હીથી રવાના થયેલું એક વિમાન લેન્ડ થયું હતું. ત્યાર બાદ મેહુલ ચોક્સીને લાવવા માટે વિમાન મોકવામાં આવ્યું છે તેવી અટકળો થઈ રહી છે. જો કે આ અંગે કોઈ સત્તાવાર પૃષ્ટિ નથી થઈ શકી. જાણવા મળ્યા મુજબ ભારતીય અધિકારીઓ મેહુલ ચોક્સીને ડોમિનિકાથી સીધો ભારત લાવવા પ્રયત્ન કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *