Central Vista Project પર રોક લગાવવાની HC એ ના પાડી, અરજી ફગાવી, સાથે સાથે દંડ પણ ફટકાર્યો

નવી દિલ્હી: કોરોના મહામારી દરમિયાન સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટના નિર્માણ કાર્ય પર હવે રોક લાગશે નહીં. દિલ્હી હાઈકોર્ટે આ પ્રોજેક્ટને લીલી ઝંડી આપી છે અને નિર્માણ કાર્યને પડકારતી અરજીને ફગાવી છે. કોર્ટે કહ્યું કે નિર્માણ કાર્ય પર રોક લગાવવાનો સવાલ જ નથી ઉઠતો. મજૂરો સાઈટ પર કામ કરી રહ્યા છે.

અરજીકર્તાઓને એક લાખનો દંડ ફટકાર્યો
દિલ્હી હાઈકોર્ટે અરજી દાખલ કરનારાઓ પર એક લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. કોર્ટે કહ્યું કે આ કોઈ પીઆઈએલ નથી. આ એક મોટિવેટેડ પિટિશન છે. અરજીમાં માગણી કરાઈ હતી કે કોરોનાની સેકન્ડ વેવને ધ્યાનમાં રાખતા સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ પર રોક લગાવવામાં આવે.

અરજીમાં કરાઈ હતી આ માગણી
દિલ્હી હાઈકોર્ટમાં અનુવાદક અન્યા મલ્હોત્રા અને ઈતિહાસકાર સોહેલ હાશમીની સંયુક્ત અરજીમાં આ પ્રોજેક્ટ પર કોરોના મહામારી દરમિયાન રોક લગાવવાની માગણી કરાઈ હતી. અરજીમાં કહેવાયું હતું કે પ્રોજેક્ટ એક જરૂરી કાર્ય નથી અને તેને થોડા સમય માટે રોકી શકાય તેમ છે. અરજીમાં એમ પણ કહેવાયું હતું કે કોરના દરમિયાન કોઈ પણ આવા પ્રોજેક્ટને આગળ વધારવાની મંજૂરી ન મળવી જોઈએ. અરજીમાં એવી દલીલ કરાઈ હતી કે આ પ્રોજેક્ટના કારણે મહામારીના સમયમાં અનેક લોકોના જીવ જોખમમાં છે.

‘કોરોના પ્રોટોકોલનું થઈ રહ્યું છે પાલન’
આ બાજુ કેન્દ્ર સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે પ્રોજેક્ટ સાઈટ પર કોરોના પ્રોટોકોલનું પાલન થઈ રહ્યું છે. તુષાર મહેતાએ સુનાવણી દરમિયાન અરજીકર્તાની નિયત પર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે તેમનું જનહિત ખુબ સિલેક્ટિવ છે. પ્રોજેક્ટ સાઈટથી માત્ર 2 કિલોમીટર દૂર ચાલી રહેલા નિર્માણ કાર્ય અને ત્યાંના મજૂરોની તેમને કોઈ ચિંતા થતી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *