લંડન : બ્રિટનના વડાપ્રધાન બોરિસ જ્હોનસને લંડનમાં એક નાનો ખાનગી સમારંભ યોજી તેની વાગ્દતા કેરી સાયમન્ડ્સ સાથે આજે લગ્ન કર્યા છે. ડાઉનિંગ સ્ટ્રીટમાં આવેલા પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી અપાયેલા નિવેદન પ્રમાણે વેસ્ટમિનસ્ટરમાં આવેલા રોમન કેથલિક કેથેડ્રલમાં આજે અંગત મિત્રો અને પરિવારજનોની હાજરીમાં લગ્નવિધિ કરવામાં આવી હતી.
56 વર્ષીય બોરિસ જ્હોનસનના આ ત્રીજા લગ્ન છે અને 33 વર્ષીય કેરી સાયમન્ડસના આ પહેલાં લગ્ન છે. આ યુગલને ત્યાં એપ્રિલ-2020માં એક પુત્રનો પણ જન્મ થયો હતો. ઉલ્લેખનીય છે કે 200 વર્ષ બાદ બ્રિટનમાં એવું બન્યું છે કે પ્રધાનમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન પ્રધાનમંત્રીએ લગ્ન કર્યા હોય.
બોરિસ જ્હોનસના કાર્યાલય તરફથી અપાયેલા નિવેદન પ્રમાણે આ લગ્ન ફાધર ડેનિયલ હ્યુમ્ફ્રેસ દ્વારા કરાવવામં આવ્યા હતા અને આ યુગલના પુત્ર વિલ્ફ્રેડના બાપ્ટિઝમની વિધિ પણ કરવામાં આવી હતી. આ સમારંભમાં કોને-કોને આમંત્રણ આપવામાં આવ્યું હતું અને કોણ હાજર રહ્યું હતું તે અંગે કોઇ વિગતો જારી કરવામાં આવી નથી. લગ્ન બાદ ડાઉનિંગ સ્ટ્રીટના બગીચામાં યુલગ ઉભું હોય તેવો એક ફેોટોગ્રાફ જ હાલ રિલીઝ કરવામાાં આવ્યો છે.
બ્રિટનમાં કોઇ પ્રધાનમંત્રીએ પોતાના કાર્યકાળ દરમિયાન લગ્ન કર્યા હોય તેવું 200 વર્ષ બાદ બન્યું છે, છેલ્લે વર્ષ 1822માં તત્કાલિન પ્રઝામંત્રી રોબર્ટ બેન્ક્સ જેકિન્સને તેમના કાર્યકાળ દરમિયાન લગ્ન કર્યા હતા. કેરી સાયમન્સ બોરિસ જ્હોનસનની કન્ઝર્વેટિવ પાર્ટીની પ્રેસ ઓફિસમાં વર્ષ 2010થી કામ કરે છે. 2012માં બોરિસ જ્હોનસનને ફરી લંડનના મેયર તરીકે ચૂંટાવા માટેના કેમ્પેઇનમાં તેણે સફળતાપૂર્વક કામગીરી કરી હતી.
2018માં તેણે નોકરી છોડી ત્યારે તે પક્ષની કોમ્યુનિકેશન હેડ હતી. 2018 બાદથી તે દરિયાઇ સંરક્ષણ સંસ્થા ઓશિયાના સાથે કામ કરી રહી છે. ફેબુ્રઆરી-2020માં આ યુગલે જાહેર કર્યું હતું કે પ્રેમસંબંધના કારણ બન્ને સગાઇના બંધનથી જોડાઇ રહ્યા છે અને એપ્રિલ-2020માં ેતમના પુત્ર વિલ્ફ્રેડનો જન્મ થયો હતો.
અગાઉ બોરિસ જ્હોન્સનનો લગ્ન સંબંધ 1987થી 1993 સુધી પત્રકાર અને કલાકર અલેગ્રા મોસ્ટીન-ઓવેન સાથે હતો. ત્યારબાદ તેમણે ભારતીય મૂળની પત્રકાર અને વકીલ મરીના વ્હીલર સાથે લગ્ન કર્યા હતા. 2018માં આ યુગલે જાહેરાત કરી હતી કે 25 વર્ષના લગ્નજીવન બાદ તેઓ છૂટાં પડી રહ્યા છે અને 2020માં તેમણે સત્તાવાર છૂટાંછેડા લીધા હતા.